ગોધરા શહેરમાં આગામી 12 સપ્ટેમ્બર 2024ના રોજ ગણપતિ વિસર્જનના દિવસે વિશ્વકર્મા ચોક ખાતે વિસર્જનમાં ભાગ લેવા સવારથી તમામ વિસ્તારોમાંથી ગણેશ મંડળો ગણેશજીની પ્રતિમા તથા ડી.જે. સાથે વહેલી સવારથી સ્થાપના સ્થળેથી વિસર્જનના સ્થળે જતા હોય છે. જેને જોવા વિશાળ જનસમુદાય પગપાળા અને વાહનોમાં અવર-જવર પણ કરતા હોય છે.
ગણપતિ વિસર્જનના દિવસની ઉજવણીના આગોતરા આયોજન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને ગોધરા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, રસ્તાઓના ડાયવર્ઝન બાબતે જાહેરનામું અમલી કરાયું છે. તેમણે એમ.જી.વી.સી.એલ, આર એન્ડ બી, નગરપાલિકાના અધિકારીઓને સુચારૂ આયોજન બાબતે સૂચનો કર્યા હતા. આ સાથે પોલીસનો ચુસ્ત બંધોવસ્ત સહિત શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની ઉજવણી કરાય તે માટે આનુવંશિક કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.