ગોધરા,
હાલમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ” આઝાદીના 75 વર્ષને ઉજવવાની તૈયારી થઈ રહી છે, ત્યારે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાએ આઝાદીના મહાનાયક એવા ચંદ્રશેખર આઝાદના જીવન કવન ઉપર વ્યાખ્યાન માળા યોજી હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે મધ્યપ્રદેશના જાબવા નગર થી રિટાયર્ડ પ્રોફેસર કૃષ્ણકાંત ત્રિવેદીજી આવ્યા હતા. કૃષ્ણકાંત ત્રિવેદીએે ચંદ્રશેખર આઝાદના જીવન ઉપર રિસર્ચ પણ કર્યું હતું. જેનો ભારત સરકારે સ્વીકાર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રેડક્રોસ ભવન હોલમાં તિરંગાઓ લગાવીને, રાષ્ટ્રભક્તિના ગીતો વગાડીને વાતાવરણ દેશભક્તિ થી રંગાઈ ગયું હતું.
ગોધરાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાના અધ્યક્ષ આશિતભાઈ ભટ્ટ એ સંસ્થાએ કરેલા અનેક કાર્યક્રમોની આછેરી ઝલક રજૂ કરી હતી અને મુખ્ય મહેમાનો તથા પ્રબુધ્ધ નાગરિકોને આ એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સાથે જોડાવા આહવાહન કર્યું હતું. એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા શ્રીમદ્દભગવત ગીતા, આદ્ય જગતગુરૂ શંકરાચાર્ય, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, વગેરે પાત્રો ઉપર વ્યાખ્યાન માળા યોજી હતી. પ્રખર રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય વક્તા પુષ્પેન્દ્ર કુલુંશ્રેષ્ઠજીને પણ ગોધરા બોલાવ્યા હતા. 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ ગોધરાના મંદિરોમાં આરતી પછી તિરંગા લહેરાવીને રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત પણ પણ કરી છે. શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા ગોધરાએ ગોધરામાં કરેલ કાર્યની વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે પર્યાવરણ બચાવવા બારીયા નગરના ગૌશાળામાં બનતી ગણેશજીની પવિત્ર ગાયના છાણની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી અને તમામ ગણેશ મંડળો તથા ઘરમાં સ્થાપન કરતા ગણેશ ભક્તોને હાકલ કરવામાં આવી હતી કે પર્યાવરણને બચાવવા ગણેશજીની આ સંપૂર્ણ ઈકો ફ્રેન્ડલી ગાયના છાણ અને પવિત્ર મૂત્રની બનેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. આ પ્રમાણે આશિતભાઇ જાણકારી આપ્યા બાદ મુખ્ય વક્તા કૃષ્ણકાંત ત્રિવેદીજીએ ચંદ્રશેખર આઝાદ વિશે અદ્દભુત વક્તવ્ય આપ્યું. તેમના વક્તવ્યમાં અનેક એવી ચંદ્રશેખર આઝાદના જીવનની નહીં સાંભળેલી વાતો સાંભળવા મળી હતી. પ્રેક્ષક ગણ સમાધિષ્ઠ થઈ ગયા હતા. આજે પહેલી વાર એવું બની રહ્યું હતું કે, ઉપસ્થિત પ્રેક્ષક ગણ એક જ ચિંતામાં હતો કે આ વક્તવ્ય પૂરૂં ના થઈ જાય વક્તા સતત બોલતા રહે એવું અદ્દભુત વક્તવ્ય કૃષ્ણકાંત ત્રિવેદીજીએ આપ્યું ત્યારે લોકોને એમ લાગ્યું કે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદ એ પડોશીના ઘરે નહીં પરંતુ મારી ઘરે જન્મવા જોઈએ. ચંદ્રશેખર આઝાદના જન્મ સ્થળ મધ્યપ્રદેશના ભાબરા થી પવિત્ર માટી લાવવામાં આવી હતી. તેનું કલેક્ટરએ, ડીડીઓ એ અને પોલીસ અધિક્ષક તથા આશિતભાઈ એ પૂજન કર્યું હતું અને અંતમાં ઉપસ્થિત તમામ શ્રુતાઓએ માટી સમક્ષ નતમસ્તક થઈ પૂજન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મિતેશ પટેલ, જયેશ ભરવાડ, કાંતિભાઈ, દેવેશ પટેલ, દિપેશ ઠાકોર, નિર્મિત દેસાઈ, દિનેશ પટેલ વગેરે ખૂબ જહેમત કરી હતી. સંસ્થાના માર્ગદર્શક પરિમલભાઈ પાઠકે કાર્યક્રમ વિશે આખી ટીમને માર્ગદર્શિત કરી હતી. આમ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત એક ગોધરા…શ્રેષ્ઠ ગોધરા… દ્વારા ગોધરા ખાતે ખૂબ ઉત્સાહથી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભારત માતાકી જય, વંદે માતરમના જય ઘોષથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો.