ગોધરા,ગોધરા રેલ્વે સ્ટેશનથી મુંબઈ-દિલ્હી તરફ જતી મહત્વની અનેક ટ્રેનો પસાર થાય છે. રેલ્વે સ્ટેશન નજીક ખાદી ફળિયા માર્ગ પાસે રેલ્વે તંત્ર દ્વારા બનાવેલ વર્ષો જુની ડ્રેનેજ લાઈન જર્જરિત થઈને તુટી જવા પામેલ હતી. જેને લઈને પાણીના નિકાલ માટે ચોમાસા દરમિયાન રેલ્વે તંત્રને ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવતો હતો. રેલ્વે તંત્ર દ્વારા લાખોના ખર્ચે ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જે મે મહિના અંતમાં પુર્ણ થઈ જશે.
ગોધરા રેલ્વે સ્ટેશન નજીક આસપાસના વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં પડતા વરસાદના કારણે રામસાગર તળાવ, ખાડી ફળિયા વિસ્તાર જેવા વિસ્તારોના પાણી રેલ્વે ટ્રેક ઉપર ભારે વરસાદ દરમિયાન ભરાઈ જતા હોય છે. રેલ્વે તંત્ર દ્વારા અંદાજિત 60 વર્ષ પહેલા બનાવવામાં આવેલ ડ્રેનેજ લઈન જર્જરિત થઈને અમુક ભાગોમાં તુટી જવા પામેલ હતી. પાણીનો કાયમી નિકાલ ન હોવાના કારણે ચોમાસાની સીઝનમાં રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા હોવાને કારણે રેલ્વે તંત્રને અવર જવર કરતી ટ્રેનો માટે રૂટીન કામ કરવામાં ભારે હાલાકીઓ પડતી હતી. જેને લઈને ગત જાન્યુઆરી માસથી રેલ્વે તંત્ર દ્વારા લાખોના ખર્ચે શહેરા ભાગોળ સ્થિત 4 નંબર ફાટકથી ગોદી માર્ગથી સ્ટેશન તરફ ડ્રેનેજ લાઈનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. ડ્રેનેજ લાઈનનુ પાણી નજીકમાં આવેલ ગરનાળામાંથી સીધુ મેસરી નદીમાં જતુ રહેશે.એટલે રેલ્વે ટ્રેક ઉપર અને આસપાસના વિસ્તારોમાં હવે પાણી નહિ ભરાઈ અને કાયમી પાણીના નિકાલનુ નિરાકરણ આવી જશે. જે કામગીરી મે માસ અંતમાં પુર્ણ થઈ જશે તેવુ રેલ્વે તંત્રએ જણાવ્યુ હતુ.