ગોધરા પાલિકા તંત્ર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. જેને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી, રોડ પર ઠેર ઠેર ખાડાઓનુ સામ્રાજય, વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેવા સહિતની પ્રાથમિક સુવિધાથી શહેરીજનો વંચિત રહ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નં.-4માં ફોરેસ્ટ કોલોનીથી પોલીટેક્નિક કોલેજ રોડ પર ખાડા સહિત ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. વધુમાં આ રોડ પર દશામાંનુ મંદિર પણ આવેલ છે. હાલ દશામાનુ વ્રત ચાલી રહ્યુ છે. જેથી મોટી સંખયામાં ભકતો દર્શન માટે આવી રહ્યા છે. જેથી આ ગંદકીમાંથી પસાર થઈને દર્શન કરવા માટે જવા મજબુર બન્યા છે. વિસ્તારના રહિશો સહિત મંદિર સંચાલક તથા ભકતો દ્વારા પાલિકામાં તથા પાલિકાના સ્થાનિક સભ્યોને રસ્તાના ખાડાઓ પુરવા સહિત ગંદકી દુર કરવા રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ પાલિકા કે સ્થાનિક સભ્ય દ્વારા કામગીરી ન કરાતા મંદિરના ભકતો સહિત વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સ્થળ સાથે હાલ વ્રત ચાલુ હોવા છતાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહિશો સ્વખર્ચે રસ્તાના ખાડા પુરવા માટી સહિતનુ મટીરીયલ્સ લાવીને ખાડા પુર્યા હતા. ત્યારે પાલિકા શહેરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં અસક્ષમ હોવા છતાં પાલિકાએ નજીકની છ પંચાયતોને પોતાના હસ્તક કરી લીધી છે. ત્યારે શુ પાલિકા પંચાયત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પુરી કરી શકશે કે પછી શહેરીજનોને પડતી મુશ્કેલી પંચાયત વિસ્તારના લોકોનો ભોગ લેશે.