ગોધરા શહેરના ચર્ચ સર્કલથી લઈને ભુરાવાવ ઓવરબ્રિજ સુધીના બંને તરફના રસ્તાઓ પર અસંખ્ય દબાણોને લઇને રસ્તો સાંકડો બન્યો હતો. જેને લઇને બસ સ્ટેન્ડ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. ત્યારે બુધવારે સાંજે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમા જિલ્લા કલેકટર આશિષ કુમાર, જિલ્લા પોલીસવડા અને ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં ગોધરા પાલિકા, માર્ગ અને મકાન વિભાગ સહિતની ટીમ દ્વારા રસ્તાની બંને બાજુના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આડેધડ કરાતા પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા વકરતી હોવાથી તંત્ર દ્વારા આવા પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેઓને આગામી સમયમાં નોટિસ પાઠવવામાં આવશે. બીજી તરફ રસ્તાની બંને તરફ આડેધડ લગાવી દેવાયેલા હોર્ડિંગ્સ પણ જેસીબી દ્વારા દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છેકે તંત્ર દ્વારા દબાણ હટાવવાની ડ્રાઇવ યોજવામાં આવનાર હોવાનો ખાતાકીય લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને દબાણકર્તાઓ દ્વારા પહેલેથી જ દબાણો કામચલાઉ રીતે હટાવી દેવામાં આવ્યા હતા.