
ગોધરા શહેરના આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી નશીલી કોડીનની દવાની બોટલો સાથે એક આરોપીની અટકાયત કરી હતી. જ્યારે કોડીનની દવાની બોટલો નંગ-120 જેની કિં.રૂા. 27,000/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.1,26,420/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ગોધરા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોધરા શહેર સહિત અનેક વિસ્તારોમાં નશીલી દવાના બંધાણી દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગોધરા શહેર આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે નશીલી દવાઓના કાળો કારોબાર કરનાર ઈસમો પર વોચ ગોઠવવામાં આવી હતી. જે વોચ દરમિયાન એક બાઇક ચાલકની અટકાયત કરી, તેની પાસેથી કોડીન ભરેલ બોટલો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી પોલીસે કોડીન ભરેલો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ગોધરા શહેર સહિત અન્ય તાલુકાઓમાં નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા માટે જરૂરી સુચનાઓ એસ.ઓ.જી. શાખા પીઆઇ આર.એ. પટેલ આપી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી એસ.ઓ.જી શાખાના પી.આઈ ને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના આકાશવાણી કેન્દ્રના ખુલ્લા મેદાન પાસે એક બાઈકચાલક કોડીન ભરેલી દવાનો જથ્થો લઈને ઉભો છે.
જે બાતમીના આધારે પીઆઈ આર.એ. પટેલ એ એસ.ઓ.જી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી આકાશવાણી કેન્દ્ર ગોધરાની પાસે આવેલ ખુલ્લા મેદાનમાં આરોપી ફૈઝાન હસન હેબટ રહે.સલામત સોસાયટી, લીલેસરા રોડ ગોધરા પાસેથી તેના કબજાની યામાહા FZS મોટર સાયકલ નં.GJ-17-BJ-3611 ઉપર રાખેલો નશીલી દવાઓની બોટલો નંગ-120 જેની કિ.રૂા.27,000/- તથા યામાહા FZS મોટરસાયલ કિ.રૂ.70,000/- અને મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.15,000/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલા રોકડ રૂા. 14,420/- મળી કુલ કિ.રૂ.1,26,420/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને આરોપી વિરુદ્ધ ગોધરા ટાઉન બી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા માટે ચકોગતિમાન કર્યા છે.
પકડાયેલા આરોપી ફૈઝાન હસન હેબટ રહે.સલામત સોસાયટી, ગોધરા, જિ.પંચમહાલ
ફરાર આરોપી સમીર મહેબુબ દેડકી રહે. કેપ્સુલ પ્લોટ, ગોધરા જિ.પંચમહાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા શહેરના અનેક જગ્યાએ નશીલી દવાઓ અને ગાંજાના બંધાણી દિન-પ્રતિદિન જાહેરમાં જોવા મળી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં નશીલી દવાઓનું વેચાણ ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે ત્યારે, ગોધરા એસઓજી શાખાની ટીમ માટે પણ તપાસનો વિષય બન્યો છે. નશીલી દવાઓના સેવનના કારણે દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગોધરા શહેરના રેલ્વેમાં આવેલા ભંગાર હાલતમાં બંધ પડેલા અને તૂટેલા મકાનોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલી દવાઓ સહિત ગાંજાનો વેપાર કરવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિક લોકોના લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. ત્યારે ગોધરા સ્થાનિક પોલીસ રેલ્વેમાં બંધ પડેલા અને તૂટેલ ક્વાર્ટરની તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેવું છે.