ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: અમન પાર્ક સોસાયટી જે બીલકીસ સોસાયટી નાં નામે ઓળખાય છે તે સોસાયટી માં ગટર, રોડ રસ્તાની સુવિધાનો અભાવ ની રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહી
ગોધરા શહેરના ચિખોદ્રા ગામ પાસે આવેલ અમન પાર્ક (જે બીલકીસ બાનું સોસાયટી નામે ઓળખાતી હતી) વિસ્તારમાં વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 300 કરતાં પણ વધારે 2002ના અસરગ્રસ્ત લોકો વસવાટ કરે છે. જેઓએવારંવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ તેવોના વિસ્તારમાં રોડ અને ગટરલાઈનની વ્યવસ્થા બરાબર નથી તે માટે અહીં રહેતા વિસ્થાપિત કોલોનીના રહીશો દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તેઓની કામગીરી કરવામાં ન આવતા આજરોજ અમન પાર્ક વિસ્તારમાં રહેતા 300 કરતાં વધારે વિસ્થાપિત લોકોએ આવનાર વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવી વિરાધ દર્શાવ્યો છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું કે રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતના મત નહીં તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા હતા.બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું
ગોધરા વિધાનસભામાં આવેલા ચિખોદ્રા ગામમાં 2002ના અસરગ્રસ્ત લોકોની વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 36 મકાનોમાં 300 કરતા વધુ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે. જેમાં રોડ અને ગટર લાઈન બાબતે માર્ચ 2018માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, પંચમહાલ જિલ્લાના વિકાસ અધિકારી, અગ્રસચિવ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ સચિવાલય ગાંધીનગરને ગટર લાઈન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ બાબતને આજે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. રોડ ઉપરના ગંદા પાણીનો નિકાલ ન થવાથી વિસ્થાપિત રહીશોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જેના લીધે આજરોજ અમન પાર્કના રહીશો દ્વારા તેઓનીભૌતિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા પોતાના વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ‘રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતોના મત નહીં’ તેવા બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.