
ગોધરામાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચનાં નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભાવિક ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનાં રથને શહેરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર ખાતેથી બપોર નાં સમય બાદ નગર ચર્યા અર્થે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન નાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જે રથયાત્રા માં જીલ્લા નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા,પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી.રાજેન્દ્ર અસારી, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સહિત વિવિધ અધિકારીઓ, નગર પાલિકાનાં સભ્યો,વિવિધ સમાજના અગ્રણીઓની સાથે સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો એ ભગવાન જગન્નાથજીના રથને ખેંચી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઉત્સાહભેર, ઉલ્લાસભેર અને શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા.
ભાવિક ભક્તો કેસરી રંગના સાંફા બાંધી રથયાત્રામાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને રણછોડજી મંદિર ખાતેથી રથયાત્રાના આયોજકો દ્વારા વિધિવત પ્રસ્થાન કરાવાયા બાદ શહેરા ભાગોળ, બાવાની મઢી, બગીચા રોડ, બસ સ્ટેન્ડ રોડ, લાલબાગ ટેકરી મંદિર, કલાલ દરવાજા,એલ.આઇ.સી.રોડ, વિશ્વકર્મા ચોક, પટેલવાડા, સોનીવાડ, રામજી મંદિર, લક્ષ્મીનારાયણ દેવ મંદિર થઈ રણછોડરાયજીના નિજ મંદિર ખાતે પરત ફરી હતી. રથયાત્રામા ફણગાવેલા મગ, જાંબુ અને આમળાનો પ્રસાદ ભક્તોને વહેચવામાં આવ્યો હતો. સમગ્ર રથયાત્રા માર્ગ ઉપર તેમજ શહેરમાં પંચમહાલ જીલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારો માંથી પસાર થતા જગ્યા જગ્યા ઉપર ભાવિક ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ નિમિત્તે ગોધરામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.