ગોધરા શહેર અને નજીકના ગામોમાં ચોરોની ગેંગને લઈને ચર્ચા સાથે ભયનો માહોલ સર્જાયો છે. ચોરોની ગેંગ અંગે સોશિયલ મીડિયામાં ફરતી પોષ્ટે લોકોમાં વધારે ભય ઉભો કર્યો છે. જેમા અન્ય રાજ્યમાંથી ચોરોની ગેંગ આવી હોવાનું જણાવાયુ છે. ચીસાચીસ કરી વાતવરણમાં ભયનું વાતાવરણ સર્જતા લોકોમાં ડર પેદા કરી રહ્યો છે. લોકોના મનમાં ચોરોનો ડર એટલો ઘર કરી રહ્યો હોવાથી ગોધરાના બામરોલી રોડ, સાંપારોડ, દાહોદરોડની સોસાયટીઓના રહિશો સાથે ગોધરાની આસપાસ આવેલ સામલીબેટીયા, દરુણિયા સહિતના ગામોમાંલોકો રાત્રી દરમ્યાન ગામમાં અને ગામ બહાર ફેરા મારી ઉજાગરા કરી રહ્યા છે. વાઇરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. ત્યારે ગોધરાની સોસાયટીમાં થોડા દિવસ અગાઉ થયેલ ચોરીના ડરથી તહેવારમાં ચોર ચોરી ન કરી જાય તે માટે શહેરની તથા છેવાડાની સોસાયટીના રહિશોએ વારા રાખીને રાત્રિના સમયે ઉજાગરા કરી સોસાયટીમાં ફેરા મારી રહ્યા છે. રાત્રિ પહેરો ભરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા જણાવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ શહેરમાં, છેવાડાની સોસાયટીઓ તથા નજીકના ગામોમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શહેરમાં થયેલી ચોરીની તપાસ ચાલુ છે ગોધરા સહિત આસપાસના ગામમાં રહીશો પોતાના વિસ્તારમાં સાવચેતી માટે રાત્રે જાગી રહ્યા છે. પોલીસ અલગ અલગ વિસ્તારમાં પોઇન્ટ અને પેટ્રોલિંગ પણ કરી રહી છે. શહેરમાં થયેલી ચોરીની દિશામાં તપાસ ચાલુ છે. સોશિયલ મીડિયામાં ભ્રામક મેસેજ ફરી રહ્યા છે. રાત્રે ખોટા વ્યક્તિ પર શક કરી ને ખોટું પગલું ના ભરે તેની સાવચેતી રાખવી જરૂરી છે. – હિમાંશુ સોલંકી, જિલ્લા પોલીસ વડા,
ગોધરા એક શંકાસ્પદ વ્યક્તિને પકડીને પોલીસને સોંપી હતી એક અઠવાડિયા પેહલા દિલ્હી મુંબઈ હાઇવે અને અમદાવાદ હાઇવે પર 4 વાહનો જેમાં 3 ઈક્કો ગાડી હતી. અને એક સ્કોર્પિયો ગાડી હતી. જે વાહનોમાં ચડ્ડી બનિયાન ગેંગના અસંખ્ય લોકો આવીને દારુણિયા ગામ નજીક ભારે ચીસાચીસ મચાવી હતી. થોડા દિવસ અગાઉ એક શંકાસ્પદ વ્યક્તિને પકડીને પોલીસને પણ અમોએ સોંપ્યો હતો. હાલ ગ્રામજનો ઘણા ભયભીત હોવાથી અમોને પાછલા 8 દિવસથી ઉજાગરા કરવાની ફરજ પડી છે. – ભાવેશભાઈ જ્યંતિભાઈ ડોલી, દારુણિયા ગામ