ગોધરા, ગોધરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ.1,69,643/-વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે ત્યારે ચુકાદાના પગલે અન્ય આવા કેસના આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ગોધરામાં ધી જનસેવા કે.ક્રેડિટ સોસાયટી લિ.માં વર્ષ-2015માં ગોધરાના ગોન્દ્રાની અમનપાર્ક સોસાયટીમાં રહેતા અતાઉલ્લા મુસ્તાક જર્દાએ વ્હિકલ સામે રૂ.2.50 લાખનુ ધિરાણ મેળવ્યુ હતુ. મુદ્દત પુરી થતાં બાકી નીકળતી નાણાંની વસુલાત કરવા સોસાયટી દ્વારા અતાઉલ્લા પાસે ઉઘરાણી કરતા તેને ગોધરા અર્બન બેંકનો રૂ.1.69 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવાતા પરત ફર્યો હતો. જેથી સોસાયટી દ્વારા આ મામલે ગોધરા કોર્ટમાં ફરિયાદ કરતા કેસ ચાલી ગયો હતો. વકીલોની દલીલો તથા પુરાવાના આધારે ગોધરા કોર્ટના બીજા એડિ.સિવિલ જજ અને જયુડિ.મેજી.પૃથુ શર્મા દ્વારા ચેક રિટર્ન કેસમાં વકીલોની દલીલો અને પુરાવાઓને ઘ્યાનમાં રાખી આરોપી અતાઉલ્લા મુસ્તાક જર્દાને દોષિત ઠેરવીને 3 માસની સાદી સજા ફટકારી સાથે અતાઉલ્લા હાજર રહેલ ના હોય તેની વિરુદ્ધ વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. તેમજ આરોપીએ સોસાયટીને રૂ.1,69,643/-નુ વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. ત્યારે ગોધરા કોર્ટના ચુકાદાના પગલે અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.