ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ એજન્સી અને સેન્ટ્રલ આઈડી દ્વારા ગુજરાતને મળ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા આ સંદર્ભે સતત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. પોરબંદર, સુરત બાદ ગોધરામાં છ શકમંદ આ સંગઠન સાથે સક્રિય હોય તેવી શંકાના આધારે ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેમની અટકાયત કરીને અમદાવાદની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજી તરફ એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રને જણાવ્યું હતું કે, અમે ઇનપુટના આધારે કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને ગોધરામાં સર્ચ કર્યું છે. સેન્ટ્રલ એજન્સી અને ઇનપુટના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સેન્ટ્રલ આઈબીના ઇનપુટ્સના આધારે ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશનના કેટલાક લોકો ગુજરાતમાં એક્ટિવ છે. આ સમગ્ર કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ સંદર્ભે તાજેતરમાં તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ હજી તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક ઇનપુટ ગુજરાત પોલીસને મળ્યા હતા. જેમાં આતંકી સંગઠન માટે મદદ કરતા અથવા તેની વિચારધારા અને સમર્થન કરતા લોકોની માહિતી હતી. જેના આધારે ગુજરાતી એટીએસના અધિકારીઓએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ સર્ચ દરમિયાન છ લોકોની અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. જેમાં પાંચ જેટલા લોકો શકમંદ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે ડીઆઈજી દીપેન ભદ્રને વધુમાં જણાવ્યું હતું કે, અમને ઇનપુટ્સ મળ્યા હતા અને જેના આધારે અમે સર્વેલન્સ કરી રહ્યા હતા. હવે કેટલાક લોકોની પૂછપરછ થઈ રહી છે અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટૂંક સમયમા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.