ગોધરા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 15 વર્ષીય યુવકનું ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાણા સોસાયટી માર્કેટિંગ યાર્ડના રહેવાસી રુદ્રકુમાર નરેશભાઈ રાણા અમાસના દિવસે પરિવાર સાથે જાફરાબાદ સ્થિત મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા.
દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે જાફરાબાદ ફાટક નજીક રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતાં રુદ્રકુમારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. માત્ર 15 વર્ષની નાની વયે રુદ્રકુમારના અકાળે અવસાનના સમાચાર સાંભળી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.