- જીલ્લા વહીવટી તંત્ર અને પાલિકા વિભાગ ઉદ્યાનને પૂન: નવસર્જીત કરે તેવી માંગ.
- સાર્વજનિક ઉદ્યાનને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ગોધરા,
ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં લુણાવાડા રોડ પર શક્તિ નગર સોસાયટી પાસે આવેલા સાર્વજનિક ઉદ્યાનની હાલત વહીવટી તંત્રની ઉદાસીનતા અને આળસ તેમજ જાળવણીના અભાવે બદતર સાથે બિસ્માર બનવા પામી છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા ઉદ્યાન હાલ મૃતપાય અવસ્થામાં હોવાનું જણાઈ આવે છે. ત્યારે ગોધરા શહેરના શહેરીજનોની તેમજ સ્થાનિક વિસ્તારના રહીશોની માંગ છે કે, ઉદ્યાનની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે અને પૂન: ઉદ્યાન લોકોને ઉપયોગી થાય તેવા ત્વરિત પગલાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગર પાલિકા ગોધરાના અધિકારીઓ રસ લઈ ઉદ્યાન ને પુન: નવસર્જિત કરે તેમ નાગરિકો ઇચ્છિ રહ્યા છે.
ગોધરા શહેરમાં આમ પણ શહેરીજનોના હરવા ફરવા માટે અને આનંદદાયક સ્થળો જૂજ માત્રામાં છે અને જે છે તેની પણ જાળવણી અને સાચવણીના અભાવે હરવા ફરવા લાયક સ્થળો મૃતપાય અવસ્થામાં છે. જેમ કે, ગોધરા શહેરનું કનેલાવ પીકનીક પોઇન્ટ, ભુરાવાવ વિસ્તારમાં જ લુણાવાડા રોડ પર શક્તિનગર સોસાયટી પાસે આવેલો સાર્વજનિક ઉદ્યાન ત્યારે આપણે હાલ તો વાત કરીશું ભૂરાવાવ વિસ્તારમાં લુણાવાડા રોડ પર શક્તિનગર સોસાયટી પાસે આવેલા સાર્વજનિક ઉદ્યાનની જ્યાં વર્ષો પહેલા ખુલ્લી જગ્યા હતી. જે જગ્યામાં શહેરનો કચરો ઠાલવવા માટે ઉપયોગ થતો હતો. જેને મેલા ડેપો તરીકે પણ ઓળખાતો હતો. પરંતુ વર્ષ 2006-07 માં પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટરના અથાગ પ્રયાસોના કારણે આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ નગરજનોના લાભ માટે થાય તેવા આશયથી અહીં જાહેરનામું પ્રસિદ્ધ કરી જગ્યાને ફેનસિંગ વોલ કરી કોર્ડન કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના અને જિલ્લાના ભાજપના હોદેદારો દ્વારા તેમજ નગર પાલિકા ગોધરાના સતાધીશો દ્વારા તે વખતના ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીને રજુઆત કરતા આ જગ્યાનો સદ્દઉપયોગ શહેરીજનોના લાભ માટે થાય તે હેતુ થી સાર્વજનિક ઉદ્યાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે સાર્વજનિક ઉદ્યાનનું દબદબાભેર ઉદઘાટન કરી શહેરીજનો માટે ઉદ્યાન ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો આ ઉદ્યાનની જાળવણી નગર પાલિકા દ્વારા વ્યવસ્થિત અને નિયમિત રીતે કરવામાં આવતી હતી અને જેના કારણે આ ઉદ્યાનનો ઉપયોગ શહેરીજનો તેમજ સ્થાનિક રહીશો દ્વારા નિયમિત કરવામાં આવતો હતો. પરંતુ સમયની સાથે નગર પાલિકા દ્વારા આ ઉદ્યાન ની કાળજી રાખવામાં આળસ રાખતા હોય તેમ યોગ્ય જાળવણી કરવામાં આવી નથી.
નગર પાલિકાના આળસના ફળ સ્વરૂપ ઉદ્યાનની હાલત હાલ બદતર સાથે બિસ્માર અને મૃતપાય અવસ્થામાં બની છે. જેનું મુખ્ય કારણ માત્રને માત્ર નગર પાલિકા ગોધરા દ્વારા આ ઉદ્યાનની જાળવણી કરવામાં નિષ્ફળ ગયા હોય તેમ સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. ત્યારે પાલિકાની ઉદાસીનતા અને આળસના પ્રતાપે હાલ આ ઉદ્યાન બિસ્માર હાલતમાં છે. ત્યારે આ ઉદ્યાનને લઈ સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે, આ ઉદ્યાનમાં રાત્રીના સમયે અસામાજિક તત્વો નો અડ્ડો બની જવા પામ્યો છે અને જે તત્વોની પ્રવૃત્તિ શંકાસ્પદ હોવાનું ઘણીવાર જણાઈ હોય તેમ સ્થાનીય સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે. અને જેના કારણે આ ઉદ્યાનમાં હરવા ફરવા માટે મહિલાઓ પોતે સુરક્ષિત ન હોવાના કારણે ઉદ્યાન માં જતા નહિ અને અસામાજિક તત્વોના કારણે આસપાસ ના સ્થાનિયોમાં ભય નો માહોલ બન્યો હોવાનું સ્થાનીય જણાવી રહ્યા છે. હાલ સ્થાનીય નાગરિકો આ ઉદ્યાનનો રીનોવેશન કરી સિક્યોરિટી મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
બોકસ:
સ્થાનીય લોકો દ્વારા ઉઠતી માંગને લઈ નગર પાલિકા દ્વારા સૂકો ઘાસ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ નગર પાલિકા પ્રમુખ સંજય સોની એ જણાવ્યું હતું કે, આ ઉદ્યાનનું વહેલા તકે રીનોવેશન કરી ઉદ્યાનની અંદર વર્ષો જુના રમકડાઓ બદલી નવા મુકવામાં આવશે અને અસામાજિક તત્વોને ડાબવા માટે ત્યાં સિક્યોરિટીગાર્ડ મુકવામાં આવશે.