ગોધરા, હાલોલ-શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લિલેસરા ચોકડી નજીકથી પસાર થતા જાનૈયાઓ ચાલુ કારના બોનેટના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધારે 11 ઈસમો સામે શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત 29 જાન્યુઆરીએ હાલોલ શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લિલેસરા ચોકડી નજીકથી લગ્ન માટે જઈ રહેલી એક જાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં કેટલાક યુવાન જાનૈયાઓ ડીજેના ટેમ્પો પાછળ જઈ રહેલી બે ચાલુ કારના બોનેટના ભાગે ઉભા રહીને જ્યારે અન્ય યુવાનો ચાલુ કારના દરવાજાના ભાગે લટકીને નાચી રહ્યા હતા. જેને પોતે તેમજ લઇને રસ્તે પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને જિલ્લા ટ્રાફિક પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા ડીજેનો ટેમ્પો તેમજ કારના નંબરના આધારે બંને કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગોધરા તાલુકાના વણાંકપુર ગામના બે કારચાલકો સહિત 11 જેટલા ઈસમો સામે શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર ગુનામાં સંડોવાયેલા મહેશ શનાભાઈ બારીયા, જગદીશ ગણપતભાઇ બારીયા, મહેશ રોહિતભાઈ પરમાર અને વિનોદભાઈ કોયાભાઈ બારિયાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હરીશ જયંતીભાઈ બારીયા, સુનીલ અરવિંદ બારીયા, અજય નટુભાઈ પરમાર, નિલેશ પ્રભાતભાઈ બારીયા, કિશન ગણપતસિંહ બારીયા, સાગર મનીષભાઈ બારીયા,અને વિજયકુમાર છત્રસિંહ બારીયા નામના ઇસમ સામે પણ ગુનો નોંધીને તેઓની અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ વડા પરાક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ઉપરોક્ત કેસમાં કુલ 11 આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ચાર ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર વાહનોને મુદ્દામાલ તરીકે કબ્જે લીધા છે. ત્યારે આ રીતે કોઈપણ વ્યક્તિ જાહેરમાં ગાડી ઉપર ચડી ડાન્સ કરશે, તેઓની સામે પંચમહાલ જિલ્લા પોલીસ સખત કાર્યવાહી કરશે.