ગોધરા,
ગોધરા શહેરના કોઠી સ્ટીલ ત્રણ રસ્તા નજીક રહેમતનગર જવાના રસ્તે પોલીસ અને અગ્નિવીર કાર્યકર્તાઓએ મારૂતિ વાનમાં લઈ જવાતો ગૌમાંસનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ આજરોજ વહેલી પરોઢના સમયે પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે ગોધરા શહેરના કોઠી સ્ટીલ ત્રણ પાસે એક મારૂતિવાનનો ચાલક શંકાસ્પદ ગતિવિધિથી પસાર થઈ રહ્યો હતો. જેના આધારે પોલીસે મારૂતિ વાનચાલકનો પીછો કર્યો હતો. જેને લઇને મારૂતિ વાનચાલકે કાર ઝડપથી હંકારી મૂકી હતી અને રહેમતનગર જવાના રસ્તે વાન મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારચાલકનો પીછો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ કારચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટયો હતો. બનાવને પગલે પ્રાણીન અગ્નિવીર ટીમના કાર્યકરો પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ તથા અગ્નિવીર કાર્યકર્તાઓએ વાનમાં તપાસ કરતા કારની પાછળના ભાગે સીટને બદલે માંસનો જથ્થો મળી આવ્યો હતો. માંસના જથ્થા સાથે કતલ કરેલા ગૌવંશના માથા પણ મળી આવ્યા હતા. જેને લઇને પ્રાથમિક દૃષ્ટિએ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે વેટરનરી તબીબને જાણ કરી પુષ્ટિ કરતા ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પકડાયેલા ગૌમાંસના જથ્થાનું વજન કરતા કુલ 415 કિલોગ્રામ વજન થયું હતું. પોલીસે રૂ 83 હજારની કિંમતનો 415 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો અને 1 લાખની કાર મળીને કુલ રૂ 1.83 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કસાઈઓ પર ભીંસ વધારી છે. વીતેલા બે દિવસ દરમ્યાન પોલીસે અગ્નિવીર ટીમની મદદથી બે સ્થળેથી જંગી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ત્યારે ગૌવંશની કતલ કરતા કસાઈઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં કસાઈઓ અન્ય સ્થળે ગૌવંશની કતલ કરીને ગૌમાંસનો જથ્થો ગોધરા ખાતે પહોંચાડી રહ્યા છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બનીને કસાઈઓ પર વોચ રાખી રહી છે.