ગોધરા,તા.13/12/2023ના રોજ સાંજના 4-00 કલાકથી 6-00 વાગ્યા દરમ્યાન કલેકટર પંચમહાલ,ગોધરાના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેર ખાતે ભુરાવાવ ચાર રસ્તાથી નેક્ષા શો રૂમ સુધીના ગોધરા-લુણાવાડા રોડ ઉપર દબાણ-ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે ડ્રાઈવમાં મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગોધરા નગરપાલીકા, આર.ટી.ઓ.,એમ.જી.વી.સી.એલ. વિગેરે વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સદર ડ્રાઈવમાં 75(પંચોત્તેર) જેટલા રસ્તા ઉપર છજા કાઢીને કે અન્ય રીતે કરેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા તથા જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરતા ર(બે) લારી-ગલ્લા હટાવવામાં આવ્યા છે.આ ઉપરાંત રસ્તા ઉપર ગંદકી કરતા ઇસમો પાસે રૂા.5600/-નો વહીવટી ચાર્જ નગરપાલિકા દ્વારા વસુલ કરવામાં આવ્યો છે. આ સાથે આર.ટી.ઓ.દ્વારા 2(બે) નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહન અંગે રૂા. 1500/-તેમજ ગોધરા શહેર ટ્રાફીક શાખા દ્વારા 2(બે) જેટલા જાહેર રસ્તામાં નડતર રૂપ પાર્ક કરેલ વાહનોને સ્થળ ઉપર રૂા. 1000/-નો દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સદર ડ્રાઈવ દરમ્યાન લોકોને જાહેર રસ્તાને અવરોધ થાય તે રીતે વાહન પાર્કિંગ કે દબાણ ન કરવા તેમજ ગંદકી ન કરવા સમજુત કરી, જનજાગૃતિ માટે અપીલ કરાઇ હતી. આવનાર સમયમાં આ પ્રકારની ડ્રાઈવ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે યોજી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ ડી.જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.