- જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
- 5574 આવાસોનું લોકાર્પણ, 6535 આવાસોનું ખાતમુહૂર્ત
- લાભાર્થીઓને સહાય પેટે કુલ રૂ.8648.40 લાખની ચૂકવણી કરાઈ
- રૂ. 1.23 કરોડના ખર્ચે પંચમહાલ જિલ્લાને મળી પાંચ નવીન એસ.ટી. બસો
- મોરવા (હ) ખાતે રૂ.1.38 કરોડ બસસ્ટેશનોનું લોકાર્પણ
- ઘોઘંબા ખાતે રૂ.1.96 કરોડના ખર્ચે બસસ્ટેશનોનું લોકાર્પણ
“રાજ્યભરમાં યોજાઈ રહેલ નવદિવસીય કાર્યક્રમો કોઈ ઉજવણી નથી પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સરકારની કામગીરી, વિકાસયાત્રા અને કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે મેળવેલ સિદ્ધિઓ પ્રજા સમક્ષ રજૂ કરવાનું તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચી તેમનો વ્યાપ વધારવાનું અભિયાન છે. એક સેવા યજ્ઞ છે,” તેમ પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગોધરા ખાતેથી જણાવ્યું હતું. પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના અંતર્ગત સરદાર નગર ખંડ, ગોધરા ખાતે આજે સાતમા દિવસે વિકાસ દિન નિમિત્તે યોજાયેલ સમારોહને સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસના ગુરૂમંત્ર હેઠળ સંવેદનશીલ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, જે દરમિયાન તેણે જન સુખાકારી-સુશાસનના અનેક કાર્યો કરી સામાન્ય જનતાનું પ્રચંડ જનસમર્થન હાંસલ કર્યું છે અને આ નવદિવસીય સેવા યજ્ઞ દરમિયાન આ જ પ્રકારના મહત્તમ લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે વિકાસ દિવસ નિમિત્તે રાજ્યમાં 10 જેટલા વિભાગોના કુલ રૂ.5300 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.
દરેકને પોતાનું ઘરનું ઘર હોય તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે વર્ષ 2016માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં આજે વિક્રમી કહી શકાય તેટલા 5574 આવાસોનું લોકાર્પણ અને 6532 આવાસોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે તેમ મંત્રી જણાવ્યું હતું. આ 12 હજાર કરતા વધુ પરિવારોને પોતાનું ઘર અપાવવામાં રાજ્ય સરકાર નિમિત્ત બની છે તે આનંદનો અવસર છે તેમ તેમણે ઉમેર્યું હતું. પાણી પુરવઠા, નલ સે જલ યોજના, પશુપાલન વિભાગ દ્વારા થયેલી કામગીરીની એક રૂપરેખા આપતા તેમણે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના દરેક છેવાડાના માનવી માટે રહેઠાણ, આરોગ્ય, પીવાના પાણી, વિજળી સહિતની શહેરી સ્તરની શ્રેષ્ઠ સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકાર સતત સક્રિય છે, કટિબધ્ધ છે તેમ શ્રી બાવળિયાએ વધુમાં ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ જોડાયા હતા અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ મુકી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા વતન પ્રેમ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં વિકાસ દિન નિમિત્તે પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 5574 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ માટે રૂ.1,20,000/- લેખે કુલ રૂ.6688.80 લાખ રૂપિયા તેમના ખાતામાં ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી અને ખાતમૂહુર્ત કરાયેલ 6532 આવાસો માટે લાભાર્થીઓને પ્રથમ હપ્તા પેટે રૂ.30,000/- લેખે કુલ રૂ.1959.60 લાખ ચૂકવવામાં આવ્યા છે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે થયેલ લોકાર્પણ-ખાતમુહૂર્તમાં કુલ રૂ.8648.40 લાખની ચૂકવણી કરવામાં આવી છે. આ પૈકી પ્રતીકરૂપે 7 લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતીકાત્મક ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આવાસ યોજના (ગ્રામીણ)ના ખાતમુહૂર્તના કુલ 07 લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા જિલ્લાને ફાળવાયેલી નવી પાંચ એસ.ટી. બસોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આજના દિવસે રાજ્યભરના બસસ્ટેશનોના કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહ દ્વારા કરાયેલ ઈ-લોકાર્પણમાં જિલ્લાને પણ મોરવા હડફ ખાતે રૂ.1.38 કરોડના ખર્ચે અને ઘોઘંબા ખાતે રૂ.1.96 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ અદ્યતન બસ સ્ટેશનના લાભ મળ્યા છે. આ નિમિત્તે ઘોઘંબા ખાતે કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ અને મોરવા હડફ ખાતે ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા સરકારની વિકાસગાથા રજૂ કરી વિકાસ કાર્યોના પગલે સ્થાનિક વિસ્તારને થયેલ લાભ માટે આનંદ અભિવ્યક્ત કરતા પ્રાસંગિક પ્રવચનો કરવામામાં આવ્યા હતા.