ગોધરા, ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર નગર ખાતે વરસાદી પાણીના નિકાલ કરવા માટે અને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે એ માટે ગોધરા પ્રાંત અધિકારી સહિતના કર્મચારીઓ દ્વારા રામેશ્વર નગર સોસાયટી ની મુલાકાત લેવામાં આવી હતી.
આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થનાર ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના આગોતરાના ભાગરૂપે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અને આરએન્ડબીના અધિકારીઓ સહિતના કર્મચારીઓ દ્વારા ગોધરા રામેશ્વર નગર વિસ્તારની મુલાકાત લઇ અને આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા હલ કરવા માટે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગોધરા ખાડી ફળિયા વિસ્તાર સહિત રામેશ્વર નગરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો પાસે વરસાદી પાણીની સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક લોકોએ કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર નગર સહિત વિસ્તારમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે ત્યાંના સ્થાનિક લોકોને આખી રાત પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોએ રોષે ભરાઈને નગરપાલિકા સહિત કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી, તે છતાં પણ તેમની સમસ્યાનો નિરાકરણ ન આવતા આખરે ધારાસભ્ય ના ઘરે જઈ રજૂઆત કરી અને પાણીનો નિકાલ કરવા માટે માંગ કરી હતી. જેને લઈને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક વહીવટી તંત્રને તાકીદ કરી હતી.
ત્યારે ફરી એકવાર આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થનાર છે. ત્યારે ખાડી ફળિયા વિસ્તાર સહિત રામેશ્વર નગર ખાતે ફરી પાછી પાણી ભરવાની સમસ્યા ના સર્જાય તે માટે સ્થાનિક લોકોને સાથે રાખીને અને વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવું તે માટે ગોધરા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા દરેકના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. જેમાં ગોધરાના પ્રાંત અધિકારી સહિત ચીફ ઓફિસરે તમામ લોકોની ઉપસ્થિતમાં ખાતરી આપી હતી કે અગામી સમય પાણી ભરવાની સમસ્યા ન સર્જાઇ નહીં તે માટે તકેદારી રાખવામાં આવશે.