ગોધરા કનેલાવ તળાવ ખાતે ગાડી ઉભી રાખવા બાબતે બે જુથો વચ્ચે મારામારી

ગોધરા,
ગોધરાના કનેલાવ તળાવ ખાતે જન્મદિવસની ઉજવણી દરમ્યાન ગાડી ઉભી રાખવા બાબતે બે જુથો વચ્ચે મારામારી ઝધડો થતા આ બનાવ અંગે શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ ના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મારામારીની ધટનામાં બે યુવકોને ઈજા પહોંચતા ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ચિરાગ રમેશભાઈ તડવીએ રહે. પ્રગતિનગર ગોધરા નાઓએ નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે, ગઇ તા.03/07/22 ના રોજ રાત્રીના સાળા નવેક વાગ્યાના અરસામાં ગોધરાના જાફરાબાદ ખાતે મારા મિત્ર શક્તિસિંહ કમલિંસહ રાજપુત નાઓના ઘરે મળવા ગયેલ હતો અને ત્યાં હાજર હતો. તે દરમ્યાન જાફરાબાદ ખાતે રહેતા ગીરીશભાઇ સોલંકી તથા તેમનો છોકરો જય સોલંકી તથા ભાવિન ભારવાણી તથા દિપ પટેલ એ ચારેય જણા નિર્મલભાઇ રાજપુત તથા ભાવેશભાઇ બારીયા સાથે તેઓને કનેલાવ તળાવ પર સાંજના પાંચેક વાગ્યે રોડ ઉપર ગાડી ઉભી રાખવા બાબતે બોલા ચાલી ઝગડો થયેલ તે બાબતે ફરીથી બોલાચાલી કરતા હતા.

તેવામાં ભાવિન ભોઇ ત્યાં આવતા ગીરીશભાઇ સોલંકીએ તું કેમ અહીં આવેલ છે. તેમ કહી ગાળો બોલી સ્ટીલની પાઇપ માથામા મારી દીધેલ જેથી અંદરો અંદર વધારે ઝગળો થતા હું વચ્ચે પડેલ અને બન્ને પક્ષને છોડાવેલ તે જ વખતે પોલીસની ગાડીનું સાયરન વાગતા પોલીસની ગાડી આવતી જોઇ બધાં ત્યાંથી જતા રહેલ ત્યાર બાદ બન્ને પક્ષો પોલીસ સ્ટેશન ખાતે ગયેલ જ્યાં વડીલો તથા આગેવાનો વચ્ચે પડતા બન્ને પક્ષો એ સમાધાન કરી બધા પોત પોતાના ઘરે જતા રહેલ. બન્ને પક્ષોએ કોઇ પોલીસ ફરીયાદ કરેલ ન હતી અને ગઇકાલ તા.04/07/22 ના રોજ હું ગોવિંદ ચોકડી પાસે ગોવિંદભાઇ બારીયાના ગેરેજ પર સવારે નવેક વાગ્યે નોકરી ગયેલ અને નોકરી પર હું તથા ગોવિંદભાઇ બારીયા હાજર હતા. દરમ્યાન આશરે દસેક વાગ્યાના અરસામાં થાર ફોર વ્હીલર ગાડી તથા બીજી એક ફોર વ્હીલગાડી ત્યાં આવેલ જે ગાડીઓ માંથી ગીરીશભાઇ સોલંકી તથા જય સોલંકી નાઓ તેમના હાથમાં લોખંડની પાઇપો તથા ભાવિન ભારવાણી તથા દિપ પટેલ તેમના હાથમાં લાકડાના દંડાઓ લઇને ગેરેજ તરફ આવવા લાગેલ અને ભાવિન ભારવાણી તથા દિપ પટેલ અપશબ્દો બોલીને મા-બેન સમાણી ગાળો બોલતા બોલતા ઉશ્કેરાઈને આવતા જોઇને હું બચવા માટે જુની ભાવિન કેમીકલ કંપનીના ખુલ્લા મેદાનમાં દોડીને જતો રહેલ જ્યાં આ ચારેય જણા મારી પાછળ દોડીને આવી મને ઘેરી લીધેલ અને ગીરીશભાઇ સોલંકીએ લોખંડની પાઇપ વડે મારા પગમાં મારવા લાગેલ જેથી મને ડાબા પગે લોહી નીકળતા હું નીચે પડી ગયેલ જેથી બધા ભેગા મળી મને ગડદાપાટુનો માર મારી શરીરે ઇજાઓ કરી આ ચારેય જણા મને ટીગાટોડી કરી તેમની હોંન્ડા સીટી જેવી ગાડીમાં નાખીને મને ગાડીમાં ગોળ ગોળ ફેરવી માર મારતા લઇ ગયેલ અને માથાના ભાગે મુક્કા મારતા હતા અને ભાવિન તથા દીપ કહેતા હતા કે તને આજે પતાવી દેવાનો છે, તેમ કરી માર મારતા હું બેભાન જેવો થઇ જતા આ ચારેય જણા મને સીવીલમાં ઉતારીને જતા રહેલ જ્યાં સીવીલ હોસ્પીટલના સ્ટાફે મારી સારવાર કરી દાખલ કરેલ અને મારા ઘરે દવાખાના માંથી કોઇકે જાણ કરેલ જેથી મારા ઘરના બધા દવાખાને આવી ગયેલ હાલ મારી સારવાર ચાલુ છે. મારા ડાબા પગે ઢીંચણ થી પગની વચ્ચે નળા પર ઇજા થયેલ છે અને માથાના તેમજ કમ્મરના ભાગે ગેબીમાર મારેલ છે.

તેમજ ગઇ કાલે ભાવિન ભોઇને માર મારતા તેને પણ માથામા તેમજ શરીરે ઇજાઓ થયેલ છે. જેથી તે પણ સીવીલ હોસ્પીટલમાં દાખલ છે. આમ, ઉપરોક્ત આરોપીઓએ મને માર મારી ગાડીમાં બેસાડી મારતા મારતા લઇ જઇ શરીરે ગેબી માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી જાતિ વિષયક શબ્દો બોલતા આ બનાવ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ ગોધરા શહેરમાં આવેલી સાઈં બાબા નગર સોસાયટીમાં રહેતા વિરલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ગત 03 તારીખે સાંજના સમયે તેઓનો પુત્ર તેના મિત્રની બર્થડે હોવાથી કનેલાવ ખાતે કેક કાપી રહ્યા હતા. તે વેળાએ નિર્મલ રાજપૂત, ભાવેશ બારીઆ, ચિરાગ તડવી અને ધવલ ભોઈ નામના ઈસમોએ કનેલાવ તળાવ જઈને જણાવ્યું હતું કે, ટોળે વળીને કેમ કેક કાપો છો અહીંયા તમારા બાપની જગ્યા છે, તેમ કહેતા પૃથ્વીરાજ સોલંકીએ અને તેના મિત્રએ જણાવ્યું હતું કે, બર્થડે હોવાથી ઉજવણી કરીએ છીએ. તમે કેમ માથાકૂટ કરો છો તેમ કહેતા ધવલ ભોઈએ ઉશ્કેરાઈ જઈને પૃથ્વીરાજ તથા તેના મિત્રોને અપશબ્દો બોલવા લાગ્યા હતા. બીજી તરફ ચાર ઈસમોએ પૃથ્વીરાજને જાતી અપમાનિત કરીને અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. બીજી તરફ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય મિત્ર ભાવિનનાં ઘરે જઈને તમામ આરોપીઓએ ભાવિનને ગડદાપાટુંનો માર માર્યો હતો. તેમજ વચ્ચે છોડાવવા પડેલા જય સોલંકીને ચિરાગ તડવી નામના ઈસમે બચકું ભર્યું હતું અને ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં ગિરીશ સોલંકીને ફોન કરીને જણાવ્યું હતું કે, બજારમાં હવે ક્યાંક જોવા મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે 11 માથાભારે યુવકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.