ગોધરાકાંડ બાદ થયેલા ગુજરાત 2002 રમખાણ કેસમાં આઇપીએસ રાહુલ શર્માને એસઆઇટીનું સમન્સ

ગુજરાત 2002 રમખાણ(Gujarat Riots 2022) કેસમાં આઇપીએસ રાહુલ શર્માને(Rahul Sharma) એસઆઇટીએ(SIT) સમન્સ પાઠવ્યું છે.જેમાં એસઆઇટીએ 27 ઓગષ્ટના રોજ હાજર રહેવા પૂર્વ ડીજીપીને સમન્સ પાઠવ્યું છે. જેમાં તિસ્તા સેતલવાડ કેસમાં તેમની ભૂમિકાની પૂછપરછની શક્યતા છે. હાલ ગુજરાતને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમાર જેલમાં બંધ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તીસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર.બી. શ્રીકુમારની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમાં તીસ્તા સેતલવાડે જામીન માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન ન મળતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તીસ્તા સેતલવાડની અરજી પર 22 ઓગસ્ટના સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં જસ્ટિસ યૂ.યૂ.લલિતની અધ્યક્ષતાવાળી બેંચ સુનાવણી કરશે. આ કેસમાં બનાવટી દસ્તાવેજો બનાવી વિશ્વભરમાં ગુજરાતની અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરડવાના પ્રયાસમાં ધરપકડ કરાયેલ સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તત્કાલિન DGP આર.બી. શ્રીકુમાર પર આક્ષેપ છે.

આ કેસમાં બંને તહોમતદારે કરેલી સેશન્સ કોર્ટમાં જામીન અરજીના વિરોધમાં સરકાર દ્વારા સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ હતુ જેમા બંને વિરુદ્ધ તપાસમાં જે પુરાવા સામે આવ્યા છે તે રજૂ કરવામાં આવ્યા હતા. જો અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.

તીસ્તાને દિવંગત અહેમદ પટેલ દ્વારા તબક્કાવાર મળ્યા હતા 30 લાખ રૂપિયા

તીસ્તા સેતલવાડ સામે રમખાણ પીડિતોની ભાવનાનો દુરુપયોગ કરી પોતાના અંગત હિત સાધવાનો અને પોતાની NGO માટે ભંડોળ એક્ઠુ કરવાનો પણ આરોપ છે. તીસ્તાની NGOએ ગુજરાતના દંગા પીડિતોની સહાય માટે કરોડો રૂપિયાનું ભંડોળ દેશ-વિદેશમાંથી મેળવ્યુ હતુ. જેનો ઉપયોગ તેમણે અંગત હેતુ માટે કર્યો હોવાનો આરોપ છે. ગુજરાત રમખાણો પર બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી થિયરી બનાવી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુનેગાર ચીતરી વિશ્વભરમાં તેમને બદનામ કરવાનો પ્રયાસ તીસ્તા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમા તેમને તત્કાલિન ગુજરાતના DGP આર.બી.શ્રીકુમારે પણ ભરપૂર મદદ કરી હતી.