ગોધરાના કાંકણપુરની મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીની કમિટીએ નાણાંનું ધિરાણ કર્યા બાદ રિકવરી ન કરતાં ફડચામાં

કાંકણપુર ગામે આવેલ શ્રી મહાલક્ષ્મી કો.ઓ.ક્રે.સો.લી.માં નાણાકીય કટોકટી સર્જાતા મંડળીના સંચાલકોએ મંડળીને ફડચામાં લઇ જવાનો પત્ર લખ્યો હતો. જિલ્લા રજીસ્ટાર દ્વારા બેંકનું ઓડિટ કરાવતા મંડળીની કમિટીની નિષ્કાળજી બહાર આવી છે. બેંકમાં વહીવટદાર નીમિને નાણાંની રીકવરી કરીને રોકાણકારોને નાણા આપવામાં આવશે. જ્યારે રોકાણકારોના નાણા સલવાતા પોલીસ મથકે અરજી આપીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ગોધરાના કાંકણપુર ગામે શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લી.માં કાંકણપુર ગામમાંથી રોજ 200 થી વધુ નાના મોટા વેપારીઓ રોજીદી બચત યોજનામાં નાણા ભરતા હતા. તેમજ કો.ઓ. સોસાયટીમાં ગામના લોકોએ ડીપોઝીટની રકમ પર જમા કરાવી છે. છેલ્લા 3 માસથી સોસાયટીની નાણાકીય કટોકટીના લીધે ખાતેદારોને નાણા નહિ આપીને ધક્કા ખવડાવતા હતા. શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લી ને કમિટી દ્વારા તા.10 ફેબ્રુ 25ના રોજ ખંભાતી તાળા મારી દેતા રોકણકારો મંડળી ખાતે ઉમટી પડયા હતા. રોજિંદી બચત યોજના તેમજ ફિક્સ ડિપોઝિટ યોજનામાં લાખો રૂપિયા રોક્યા હોવાનું સામે આવ્યું છે.

કમિટી દ્વારા બેંકને ફડચામાં લઇ જવાનો પત્ર લખ્યો હતો. જ્યારે જિલ્લા રજીસ્ટાર દ્વારા મંડળીનું ઓડિટ કરવામાં આવ્યું હતું ઓડિટમાં શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લીની કમિટી દ્વારા સામાન્ય સભા કે વાર્ષિક સભા યોજી નથી. ઓડિટમાં ધિરાણ આપ્યા બાદ રીકવરી ન કરાતા મંડળી નબળી પડી છે.

મંડળીના સ્ટેટમેન્ટ મુજબ કમિટી દ્વારા રોકાણકારોના તમામ નાણાં જમા કરાવ્યા છે પણ સામે આપેલા ધિરાણ આપીને રીકવરી કરી નથી. તેમજ મંડળીની કમિટીની મુદત પુર્ણ થઇ હોવા ચુંટણી યોજી નથી. આમ શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લીની કમિટીની નિષ્કાળજી બહાર આવતા તેઓની સામે કાર્યવાહી રજીસ્ટાર કરશે. તેમજ મંડળીને ફડચામાં લઇને વહીવટદાર મુકીને ધિરાણ કરેલા નાણાની રીકવરી કરીને રોકાણકારોને તેઓના નાણાં આપવામાં આવશે તેમ રજીસ્ટારે જણાવ્યું છે.

મંડળી પૈસા આપવામાં ઠાગા-ઠૈયા કરતી હતી

શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટી લી.ને તાળાં મારતા રોકાણકારોના નાણા સલવાતા રોકાણકારો દ્વારા કાંકણપુર પોલીસ મથકે અરજી અાપી હતી. અરજીમાં જણાવ્યું કે, મંડળીના ખાતેદારોના રોજીંદી બચતના નાણા છેલ્લા નવેમ્બર- ડિસેમ્બર 2024થી મંડળી પૈસા આપવામાં ઠાગા-ઠૈયા કરતી હતી. ત્યાર બાદ મંડળીને તાળાં મારીને બંધ કરી દીધી હતી. જેથી મંડળીના ચેરમેન, સેક્રેટરી, ટ્રસ્ટીઓ, સ્ટાફ સહિત સામે કાયદેસરના પગલા ભરીને ખાતેદારોના નાણાં પરત મળે તેવી માંગ કરતી અરજી પોલીસને કરવામાં આવી હતી.

કમિટીએ ફરજો નિષ્ઠા મુજબ નિભાવી નથી

કાંકણપુરની શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સો.નો ઓડીટ રીપોર્ટ આવી ગયો છે. રીપોર્ટમાં સ્ટેટમેન્ટમાં ખાતેદારોના નાણા જમા થયેલા છે.મંડળી દ્વારા ધિરાણની રીકવરી ન કરવાથી નાણાકીય કટોકટી થઇ છે. મંડળીની કમિટીએ પોતાની ફરજો નિષ્ઠા મુજબ નિભાવી નથી જેથી તેઓની સામે કાર્યવાહી કરાશે. મંડળીમાં વહીવટદાર નિમણૂંક કરીને ધિરાણના નાણાની રીકવરી કરીને રોકાણકારોને નાણાં આપશે. – ડી.કે.ખેર, રજિસ્ટાર, પંચમહાલ