દેશ આઝાદ થયાના પ્રથમ વખત જૈન સમુદાય પોતાના ધર્મના રક્ષણ કાજે આજે સડક ઉપર આવીને ગોધરા શહેરના શાંતિનાથજી જૈન દેરાસર ખાતેથી વિરાટ રેલી યોજવામાં આવી હતી. જેમાં જૈન ધર્મ આચાર્યો, સાધુ સાધવીઓ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ વિરાટ રેલીમાં જોડાઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જૈન સમાજ દ્વારા ગોધરાના ચારેય ફિરકાની શ્રી શત્રુંજય મહાતીર્થ તથા શ્રી સમ્મેદ શિખર મહાતીર્થ રક્ષણ માટે ગોધરા શહેરના શાંતિનાથજી જૈન દેરાસર ખાતેથી વિરાટ રેલી યોજવામાં આવી હતી. જેમાં ધર્મ આચાર્યો, સાધુ સાધવીઓ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ વિરાટ રેલીમાં જોડાયા હતા. ગોધરા જિલ્લા સેવા સદન કચેરી ખાતે શત્રુંજય મહાતીર્થ તથા શ્રી સમ્મેદ શિખર મહાતીર્થ રક્ષણ માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા, સૂત્રો સાથે જય જય શ્રી આદિનાથના, જય ઘોષ સાથે આ વિરાટ રેલી કાઢવામાં આવી હતી. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ કહેવામાં આવે છે, પણ જ્યારે તેમના ધર્મની રક્ષાની વાત છે ત્યારે જૈન તીર્થની રક્ષા માટે પોતાનું જીવન પણ હોમી દેવા તૈયાર છે. જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમાન તીર્થ સ્થળોની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓની રહેમરાહે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યાં છે. તેમજ નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે, તે તાત્કાલિક અસરથી પાબંધી લગાવવામાં આવે તેવી માગણી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કરી હતી.