ગોધરા-ઇન્ટરનેશનલ સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરાઈ

ગોધરા,મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સામાજીક સેવાકીય પ્રવૃતિઓ, ક્લબના ભૂતપૂર્વ પ્રમુખો, ચાર્ટર સભ્યો તથા નગરની સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો તથા પત્રકારોનું આ પ્રસંગે અભિવાદન અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ગોધરાને 50 વર્ષ પૂર્ણ થતા અનિલ સોની પત્રકાર માર્ગ પાસે ગરમીમાં રાહત માટે તે માટે રાહદારીઓ માટે લીંબુ શરબત વિતરણ, જરૂરિયાતમંદ બેન આર્થિક રીતે પગભર બને તે માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શરૂઆતમાં રાજકોટમાં બનેલ હોનારતના સદ્દગત આત્માઓ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. લાયન્સ ધ્વજ વંદના પ્રદિપ સોનીએ કરી હતી. સ્વાગત પ્રવચન પ્રમુખ ડોક્ટર ભાવેશ બુધવાની તથા સંસ્થાનો પરિચય મંત્રી હિરેન દરજીએ આપ્યો હતો. લાયન્સ ક્લબ ગોધરાના પાસ્ટ ડી. ગવર્નર જે.પી. ત્રિવેદી, પ્રભુ દયાલ વર્મા, એસ્ટ્રોલોજર ગીતાબેન લુહાણા, કિશોરીલાલ ભાયાણી એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન જયપ્રકાશ ભોલંદા, નીરંકારી સત્સંગ મંડળના વિદ્યાબેન નિરંકારી, અગ્રની ઉદ્યોગપતિ ફિરદોષભાઈ કોઠી, કોમર્સ કોલેજના આચાર્ય પ્રોફેસર અરૂણસિંહ સોલંકી, પંચમહાલ જીલ્લાની લાયન્સ ક્લબ ના હોદ્દેદારો તથા નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી રંગે ચંગે ઉજવી હતી.