
હાલોલ ગોધરા રોડ ઉપર ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લાગેલી આગનો ફુવારો 20 ફૂટ ઊંચે ઉડતા ઉઠેલી અગનજ્વાળાઓથી અફરાતફરી અને દોડધામ મચી હતી. ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં આગના ફુવારાની જ્યોત પ્રગટી જતા ગુજરાત ગેસની ગાડી અને ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે ગુજરાત ગેસના કર્મચારીઓએ સેફટી વાલ્વ બંધ કરી દેતા લીકેજ બંધ થયું હતું અને આગ ઉપર પાણીનો મારો ચલાવતા આગ બુજાઈ હતી.
હાલોલ-ગોધરા રોડ ઉપર રોડની સાઈડમાં ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલા ખોદકામના ખાડામાં કચરો સળગતા ત્યાં ખોદકામમાં દબાયેલી પીએનજીની રબરની મુખ્ય લાઇનમાં લીકેજ થયું હતું. જેથી ધડાકા સાથે આગનો ફુવારો 20 ફૂટ ઊંચે ઉડતા આ આખા વિસ્તારમાં દોડધામ મચી હતી. આગનો ફુવારો જોઈ અનેક લોકો દુર્ઘટનાના ડરે ત્યાંથી દૂર ભાગી છૂટ્યા હતા.

ગોધરા રોડ ઉપર નવા રોડનું કામ ચાલી રહ્યું છે. રોડની બાજુમાં છેલ્લા ચાર મહિનાથી કોઈ ટેલિકોમ કંપનીએ લાઇન દબાવવા પ્રેમ એસ્ટેટથી મહાકાળી મંદિર સુધી એકાદ કિલોમીટર જેટલું ખોદકામ કર્યું હતું. જે પછી એ કંપનીના કોન્ટ્રાક્ટરે ના તો કામગીરી કરી કે ના ખાડા પૂર્યા. આજે આ ખાડામાં પડેલા કચરામાં આગ લાગતા આગ નીચે દબાયેલી ગુજરાત ગેસની પાઇપ લાઇન સુધી પહોંચતા ઘરે ઘરે વિશ્વાસની જ્યોત સાથે પહોંચતી પીએનજી ગેસની લાઇન ફાટતા ગેસનો ફુવારો આગ સાથે ઊંચે ઉડ્યો હતો.
પ્રેસરથી ગેસ લીકેજ થતા આગની અગનજ્વાળાઓ ઊંચે સુધી ઉઠતા એક તબક્કે રોડ ઉપર દોડધામ મચી હતી. આજુબાજુની દસેક જેટલી સોસાયટીઓના ઘરે ગેસનો સપ્લાય બંધ થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ હાલોલ ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુજરાત ગેસની ગાડી પણ ઘટનાસ્થળે પહોંચીને નજીકમાં રહેલો સેફ્ટી વાલ બંધ કરી ગેસનો સપ્લાય બંધ કરી દેતા મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.