
ગોધરા,ગોધરા ગોન્દ્રા વિસ્તારમાં પુરપાટ દોડતી એસ.ટી બસની અડફેટે બે વાહનો આવી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે જાનહાનિ ટળી હતી. રીક્ષા ચાલકને સામાન્ય ઇજાઓ થવા પામેલ હતી. જેને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.
ગોધરા વડોદરા હાઇવે ગોન્દ્રા વિસ્તાર પાસે મંગળવારે બપોરના સમયે હોકલાની વાડી નજીક હાલોલ થી ગોધરા તરફ આવતી એસ.ટી બસ પુરઝડપે ઓવરટેક કરવા જતા કાર અને રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને હાઇવે ઉપર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એસ.ટી બસની ટક્કર વાગતા રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષાનું કચ્ચરઘાણ નીકળી જવા પામેલ હતું અને રીક્ષા ચાલકને નાની મોટી ઈજાઓ પણ થવા પામેલ હતી. જયારે કારને સામાન્ય નુકશાન થવા પામેલ હતું. જયારે આ ટ્રિપલ અકસ્માતમાં જાણહાની ટળી હતી. ગોધરા વડોદરા હાઇવે ઉપર ગોન્દ્રા મૈત્રી સર્કલ થી લઈ ને ચિખોદરા ચોકડી સુધી અવાર નવાર નાના મોટા અકસ્માતો થયા કરે છે. વડોદરા હાઇવેના આસપાસના વિસ્તારો હાલમાં વિકસિત થઈ રહ્યા છે. જેને લઈ ને ત્યાં દિનપ્રિતિદિન ટ્રાફિકમાં પણ વધારો થાય છે. ગોન્દ્રા નજીક આવેલ આ હાઇવે ઉપર ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમ્યાન ભારદારી વાહનો સાથે અનેક નાના મોટા અકસ્માતો થયા કરે છે.