ગોધરાના ગોન્દ્રા વિસ્તારના કપચી-મેટલના મટીરીયલ સપ્લાયર પાસેથી મીટીરીયલ મંગાવી ૧૫.૪૪ લાખ નહિ ચુકવતા અમદાવાદના આરોપીને સાયબર ક્રાઈમે ઝડપ્યો

ગોધરા,
ગોધરા શહેર ગોન્દ્રા વિસ્તારમાં રહેતા અને કપચી-મેટલ મટીરીયલના સપ્લાયર સાથે અમદાવાદનો ઈસમ વેબસાઈટ ઉપરથી મોબાઈલ નંબર મેળવી સંપર્કમાં આવ્યો હતો. અને સોશ્યલ મીડીયાની માધ્યમથી ભાવ તાલ નકકી કરી મટીરીયલ મંગાવી સસ્તા ભાવે વેચી નાખ્યું હતું અને બાકી નિકળતા ૧૫.૪૪ લાખ રૂપીયા ચુકવ્યા ન હતા. આ બાબતે કાંંકણપુર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદની તપાસ સાયબર ક્રાઈમે કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા શહેર ગોન્દ્રા વિસ્તારમાં રહેતા મોહસીન અબ્દુલ રઝાક ધંત્યા કપચી, મેટલ મટીરીયલના સપ્લાયર છે. તેઓ પાસેથી અમદાવાદના મહેશભાઈ પટેલ એ દોઢ મહિનાના સમયગાળામાં વેબસાઈટ ઉપરથી મોહસીન ધંત્યાનો મોબાઈલ નંબર મેળવી સોશ્યલ મીડીયાના માધ્યમથી કપચી-મેટલ સહિતના મટીરીયલના ભાવ તાલ નકકી કર્યા હતા અને ૬૬ ગાડી કપચી, ગ્રીટ અને ડસ્ટ મીટીરીયલ મંગાવ્યું હતું અને ઓછા ભાવે ગ્રાહકોને વેચ્યું હતું. જ્યારે તમામ મટીરીયલના બાકી નિકળતા ૧૫.૪૪ લાખ રૂપીયા ચુકવ્યા ન હતા. જેને લઈ મહેર પટેલ વિરૂદ્ધ કાંંકણપુર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસ સાયબર ક્રાઈમને સોંપવામાં આવી હતી. ગોધરા સાયબર ક્રાઈમ દ્વારા આરોપી મહેશ પટેલની મહુધા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી મહેશ પટેલની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, તે દલાલીનો ધંધો કરતો હોય પરંતુ ધંધામાં ખોટ જતાં અમદાવાદ છોડીને મહુધા રહેવા આવ્યા હતો અને મહુધા ખાતે રહેતા મુન્ના અખ્તર તેમજ સરકારી કામોમાં મીટીરીયલ પુરૂ પાડતા ઈમ્તીયાઝ હુસેન બશીરખાન શેખ સાથે મળીને ગોધરા ખાતે રહેતા મોહસીન ધંત્યા પાસેથી મટીરીયલ મંગાવી નાણા નહિ ચુકવીને છેતરપિંડી કર્યાની કબુલાત કરી આ ગુનામાં અન્ય બે આરોપી મુન્ના અખ્તર, ઈમ્તીયાઝ હુસેન શેખને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.