- શહેરામાં વેપારીને ત્યાંથી સીંગલયુઝ પ્લાસ્ટીક જથ્થો પકડાતાં રેલો ગોધરાના વેપારી સુધી આવ્યો.
શહેરા,શહેરા તાલુકામાં આવેલા અણીયાદ ચોકડી પાસે આજથી પાંચ દિવસ પહેલા એક ટેમ્પાનો ચાલક ડેઈલી સર્વિસ ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ભરીને લાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યાંની બાતમી લઇને શહેરા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થા સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના જથ્થાની સઘન પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકના વેપારી પાસેથી લાવી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી આજરોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જિલ્લા કલેકટર દ્વારા ગોધરા નગરપાલિકાને કડક સૂચના આપી હતી કે, ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકના વેપારીને ત્યાં જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ગોધરા નગર પાલિકાના ઇન્ચાર્જ સીનીયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર સુરપાલસિંહ સોલંકી, મનોજ ચૌહાણ, સહલ મન્સૂરી સહિતનો સ્ટાફ ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકની દુકાન ઉપર ચેકીંગ દરમિયાન 90 કિલો જેટલો જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. ગોધરા નગર પાલિકાની ટીમે ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થાને જપ્ત કરીને સ્થળ ઉપર 11,000/- રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેથી પ્લાસ્ટિકનો વ્યાપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છેકે, ગોધરા શહેરમાં 15 જેટલી જગ્યાએ બિનઅધિકૃત પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં નગર પાલિકા દ્વારા આ ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેચાણ કરનાર વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સમય જ બતાવશે.