ગોધરામાં ગણેશ મહોત્સવને લઇને આયોજક અને પોલીસ વિભાગની બેઠક મળી

ગોધરા શહેરમાં આવેલ પોલીસ તાલિમ ભવન ખાતે આગામી ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના વિવિધ ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ગણેશ મંડળના આયોજકો સાથે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આગામી ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોટાભાગના ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, બે વર્ષના કોરોના મહામારી બાદ ગણેશોત્સવ યોજાતા લોકોમાં પણ ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય બાદ દુંદાળા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે, ગણેશ મંડળના આયોજકો દ્વારા વિશાળ વિસર્જન શોભાયાત્રા યોજવામાં આવે છે.

ગોધરાની આન બાન અને શાન સાથે શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે સમગ્ર વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે, જેને લઇને ગોધરા શહેરમાં પોલીસ મુખ્યમથક ખાતે આવેલ તાલિમ ભવન ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં ગણેશ મંડળના આયોજકો તરફથી મળેલ સૂચનોની નોંધ લઇને તંત્ર દ્વારા તેઓના પ્રશ્નોનો નિકાલ લાવવા માટેની ખાતરી આપવામાં આવી હતી.