ગોધરા સિગ્નલ ફળિયાનું ગરનાળું 5 દિવસ બંધ રહેશે.

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળીયા રેલવે ગરનાળામાં કાયમ પાણી ભરાઈ રહેતુ હોવાની સમસ્યાનું નિરાકરણ નહી અાવતા ગરનાળાના માર્ગ પર ઊંડે ઊંડા ખાડા પડી જતા ગોધરા નાગર પાલિકા અને જનભાગીદારીથી ગરનાળાની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેને લઈ ને આ ગરનાળું સતત પાંચ દિવસ સુધી બંધ રહેશે. આ ગરનાળામાંથી અમદાવાદ હાઇવે તથા સૌથી મોટી કબાડી માર્કેટ તરીકે ઓળખાતી સિમલા માર્કેટને જોડતું આ ગરનાળું રાહદારીઓ માટે અતિ ઉપયોગી સાબિત થયું છે. ત્યારે ગરનાળું અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

આ ગરનાળામાં પડેલ ખાડા તથા ભરાઇ રહેતા પાણીને લઈને અનેક વખત ભૂતકાળમાં આવેદનપત્રો પણ આપવામાં આવેલ છે. પણ ગરનાળાનુ સમારકામ હાથ ધરવામાં ન અાવતા રાહદારીઓની બૂમ ઉઠવા પામેલ હતી. ત્યારે નગરપાલીકા અને જનભાગીદારીથી ગુરૂવારે ગરનાળાના સમારકામની કામગીરી શરૂ કરાતા ગરનાળુ 5 દિવસ માટે બંધ કરવામાં અાવ્યુ છે.ગરનાળુ બંધ કરાતા 5 દિવસ માટે વેપારી સહિત અમદાવાદ તાફર જતા વાહન ચાલકોને લાંબો ફેરો મારવો પડશે. ગરનાળાના સમારકામની કામગીરી દરમ્યાન ગોધરા પાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની તેમજ વિસ્તારના કાઉન્સિલર ફેસલ સુજેલા તેમજ ફેમીદાબેન જાવેદભાઈ વલીવાકા ઉપસ્થિત રહ્યા હતા.

પાલિકા તંત્ર દરેક મદદ પુરી પાડશે
પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળીયા રેલવે ગરનાળાના રીપેરીંગની કામગીરી હાલમાં પાલિકા અને જનભાગીદારી હેઠળ શરૂ કરાઇ રહી છે. ગરનાળામાંથી અવર જવર માટે પડતી દરેક મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે તે માટે પાલિકા તંત્ર દ્વારા દરેક મદદ પુરી પાડવામાં આવશે અને બને તેટલું જલ્દી ગરનાળાની કામગીરી પૂર્ણ કરીને ગરનાળાને અવર જવર માટે ચાલુ કરી દેવાશે. – સંજયભાઇ સોની, પાલીકા પ્રમુખ,ગોધરા