- સરપંચો પાસેથી રૂ.૫૦૦૦ની લાંચ સ્વરૂપે ફાળો લેવાનો આક્ષેપ યુક્ત મેસેજ વાયરલ.
- અવારનવાર પદાધિકારીઓ તથા ચુંટાયેલા સભ્યો પાસેથી નાણાની માંગણી કરાઈ હતી.
- ફરી એકવાર રકમ મેળવવા માટે સરપંચોને દબાણ કરીને ગેરરીતિ માટે પ્રોત્સાહન.
- ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર જેવા સૂત્રથી સત્તામાં આવેલ ભાજપા એ ભ્રષ્ટાચારને કોરાણે મૂકયો.
- રકમ માંગણી કરવાના કારણે સ્થાનિક કક્ષા એ ગેરરીતિ કરવા માટે મજૂબત બનતા નારાજગી.
- કોર્પોરેટ હાઉસ તથા કોન્ટ્રાકટરો, બિલ્ડરો પાસેથી આર્થિક સહયોગ મેળવવા છતાં ભાજપા
ભૂખ્યો ને ભસ. - સત્તામાં રહેવું હોય તો ભાગીદારી કે મીલીભગત ?
- સત્તા ટકાવા માટે લાંચ કે દાન આપવું પડે ?
- ઓછી ગ્રાન્ટ અને આવક વચ્ચે વિકાસ માટે આ ઉઘરાણા એક પડકારરૂપ.
- ભાજપા કાર્યાલયના નિર્માણ માટે ભાજપાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો સહયોગ
જરૂરી હોવાનો યોગ્ય માનતો ભાજપા સંગઠન.
ગોધરા,
ગોધરાના ગદુકપુર હાઈવે સ્થિત પંચમહાલ જીલ્લા ભાજપા કાર્યાલયનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. અવારનવાર ચુંટાયેલા તાલુકા જીલ્લાના સભ્યો તથા પદાધિકારીઓ પાસે દાનની માંગણી કરવા છતાં તાજેતરમાં ગોધરા તાલુકાના સરપંચો માઠાદીઠ રૂ.૫૦૦૦ની માંગણી કરતો આક્ષેપ યુક્ત મેસેજ વાયરલ થતાં સરપંચોને ગેરરીતિ માટે પ્રોત્સાહિત કરવા સાથે નૈતિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. અને સરપંચો પણ અવારનવાર મકાન નિર્માણ માટેના મેસેજ વહેતા કરવા સામે પણ છુપી નારાજગી દર્શાવીને સાચું-ખોટું તપાસનો વિષય બન્યો છે.
છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી ગુજરાતમાં ભાજપાનું શાસન એકચક્રીય ભોગવી રહ્યું છે. કેન્દ્ર, રાજ્ય, જીલ્લા, તાલુકા બાદ છેવાડાના ગ્રામ પંચાયત પણ ભાજપાએ કબજે કરીને પોતાના પદાધિકારીઓને સત્તાનું સોપાન સુપ્રત કરીને બાદમાં ભાજપા એ વિજય હાંસલ કરીને માનેતા ચહેરાઓને ખુરશી આપી છે. વળી, અવારનવાર આયોજીત ચુંટણીઓમાં કોર્પોરેટ હાઉસ, કંપનીઓ, ભાજપાના સંગઠનના તથા ચુંટાયેલા પાંખના પદાધિકારીઓ પાસેથી ચુંટણી ભંડોળ માંગીને સત્તા હાંસલ કરીને વિજય પતાકા લહેરાવે છે. ચુંટણી ફંડ અલગ રીતે કોર્પોરેટ હાઉસ પાસેથી કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી અર્થાત સામાજીક કાર્યમાં વેરાની છુટના ભાગરૂપ આર્થિક મદદ મેળવતા વિપક્ષોની સરખામણીમાં ભાજપ ટટાર બનતું જઈ રહ્યું છે. ભાજપાના લક્ષ્યાંક મુજબ જીલ્લાકક્ષા એ આધુનીક કમલમ કાર્યાલય બનાવવાનો આયોજન છે. તે મુજબ પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરાના પાંજરાપોળ પાસે જુનુું જર્જરીત કાર્યાલય હોવાના કારણે અનેક અગવડતાઓ વચ્ચે અનેક વિજયનું સાક્ષી બની રહ્યું છે. આ કાર્યાલયમાં અપૂરતી સુવિધાના કારણે વિશાળ અને આધુનિક ઢબે અલાયદુ કાર્યાલય બનાવવા માટે મંજુરી અપાઈ હતી. શહેરની બહાર ગદુકપુર હાઈવે પાસે નૂતન જીલ્લા ભાજપા કાર્યાલય બની રહ્યું છે. જે કામ પૂર્ણતાને આરે છે. તે માટે પ્રદેશ ભાજપાએ મકાનના નિમાર્ણ માટે આર્થિક સહયોગ પુરો પાડવાનું બીડુ ઝડપ્યું છે. પરંતુ જાણવા મળ્યા અનુસાર જે તે સમયે શીલાન્યાસ સમયે ભાજપાના પદાધિકારીઓ પાસેથી લક્ષ્યાંકદ્ધિત આર્થિક મદદ મેળવી હતી અને ભાજપાના પદાધિકારીઓએ માંગ્યા મુજબની રકમ ચુકવીને મકાનના નિર્માણ માટે ફાળો આપ્યો હતો. અને ભાજપાના કલ્યાણ નિધી માંથી પણ આ મકાનના નિર્માણ માટે પણ આર્થિક મદદ મેળવેલી છે.
હાલમાં, કાર્યાલય પૂર્ણતાને આરે છે. ત્યારે જીલ્લાના સરપંચો પાસે મકાન નિર્માણ માટેનો સહયોગ આપે તેવા આક્ષેપ યુક્ત મોબાઈલ મેસેજ વાયરલ થતાં ભાજપા સંગઠન વિવાદોમાં સપડાયું છે. એક આક્ષેપ યુક્ત મોબાઈલ મેસેજ વહેતો થઈને ગોધરા તાલુકાના ચુંટાયેલા સરપંચો પાસે પંચાયત દીઠ રૂ.૫૦૦૦ની આર્થિક મદદ મંગળવાર સુધીમાં પહોંચતી કરવી તે પ્રકારે સંદેશો પ્રસારીત કરીને ઉધરાણા કરવામાં આવતાં સરપંચોમાં પણ મનોમન છુપી નારાજગી અનુભવી રહ્યા છે. ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદી જેવા સૂત્રોથી વિજય હાંસલ કરનાર ભાજપા હવે સત્તાધિશોને ગેરરીતિ કરવા માટે મજબૂત કરી રહ્યા હોવાના ચિત્રો ઉપસી રહ્યા છે. અને પોતે નૈતિક્તાનો ભંગ કરીને અન્યને પણ નૈતિકતાને ભંગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા હોવાનું જોવા મળી રહેતા છુપી નારાજગી સાથે સત્ય કે અસત્ય વચ્ચે તપાસનો વિષય બન્યો છે. સત્તામાં ભાગીદાર બનાવનાર ભાજપા એ હવે ગેરરીતિનો માર્ગ અપનાવીને મીલીભગત અજમાવી રહી છે. વળી, સત્તા ટકાવી રાખવી હોય તો આ સ્વરૂપે આર્થિક લાંચ ગણવી કે દાન ગણવું તેવા અનેક પ્રશ્ર્નાર્થો પણ ઉપજીને સરપંચોને આ રકમ ચૂકવવા માટે સ્થાનિકકક્ષા એ ખોટા કામ માટે પ્રેરીત કરીને ઉઘરાણા કરવાનો રસ્તો દર્શાવ્યો હોવાનો ફલિત થાય છે. ગ્રામ્ય કક્ષા એ સરકાર ઓછી ગ્રાન્ટ ફાળવે છે તથા તેની આવક પણ ઓછી હોય છે. આવી આર્થિક તંગી વચ્ચે લોકોના આકંક્ષાઓ પૂર્ણ કરતા વિકાસના કામો કરવાના હોય છે અને આ પ્રકારે ભાજપા દ્વારા શંકાસ્પદ ઉધરાણા કરવામાં આવે તો વિકાસને ધબ્બો પહોંચાડે તે પ્રકાર સમાન ગણાય છે. જાણવા મળ્યાનુસાર જો આ પ્રકારે વહેતો થયેલ આક્ષેપ યુક્ત સંદેશો સત્ય હોય તો ભાજપ માટે ગેરકાયદેસર ઉઘરાણું કરવા સાથે ગેરરીતિ સમાન ગણવા સિવાય અન્ય કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. જો કે ભાજપાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓના મદદથી કાર્યાલય નિર્માણ થઇ રહ્યું છે.
પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી કાર્યાલય નિર્માણ થઈ રહયું છે
પંચમહાલ ભાજપા પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલે એ આ આર્થિક દાન અંગે ટુંકમાં જણાવ્યું હતું કે, ગદુકપુર નજીક ભાજપા કાર્યાલય બની રહ્યું છે. આ મકાનના નિર્માણ માટે કાર્યકર્તાઓ પોતાનો સહયોગ અને યથાયોગદાન આપે છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ સમાવેશ થાય છે. તેમના માધ્યમના સહયોગ મળી રહેતો હોય છે.
મેસેજમાં વહેતા થયેલ ગ્રામ પંચાયતો નામ
ભાજપા કાર્યાલયના નિર્માણ માટે વહેતો થયેલ મોબાઈલ મેસેજમાં ઉલ્લેખવામાં આવેલ રકમ અને ગ્રામ પંચાયતના નામ નીચે મુજબ છે.
જેમાં કરસાણા-૫૦૦૦, વેલવડ-૫૦૦૦, ઉજડીયાના મુવાડા-૫૦૦૦, પરમારપુરા-૫૦૦૦, જાલીયા-૫૦૦૦, કાંકણપુર તા.પં.સ.-૫૦૦૦, નદીસર-૫૦૦૦, કબીરપુર-૫૦૦૦, ખજુરી-૫૦૦૦, રીછોસા-૫૦૦૦, જુનીધરી-૫૦૦૦, ટીંબા-૫૦૦૦, મોર્ય-૫૦૦૦, પઢીયાર-૫૦૦૦, ઓડીદ્રા-૫૦૦૦ વગેરેનો સમાવેશ થાય છે.