ગોધરા લુણાવાડા રોડ પર આવેલ મારૂતિ ફાયનાન્સની ઓફિસમાં નોકરી કરતા સુરતના દશરથ રાવળ, નીખીલ દિનેશભાઇ મકવાણા તથા કેતન વેકરીયાનાઓ પાસે લીમખેડા તાલુકાના નાના હાથીધરા ગામના આંબા ફળિયા ખાતે રહેતા જમલીબેન ફૂલસિંહ ચૌહાણ તથા અન્યોને લોન આપવાની લાલચ આપી હતી. ત્રણે ભેજાબાજોએ લોન આપવાનું કહીને જમલીબેન સહિતે આધારકાર્ડ, પાનકાર્ડ, ફોનની માહિતી, ઈ-મેઇલ આઇડીની માહિતી મેળવી ક્રેડીટ કાર્ડ કઢાવી આપ્યું હતું.
ત્યાર બાદ 3 ભેજાબાજો દ્વારા જમલીબેન ઠગાઈ કરવાના ઇરાદે ક્રેડીટકાર્ડ બંધ છે. જે ચાલુ કરાવવુ પડશે તે પછી જ લોન મળશે. તેમ કહી લોનની લાલચ આપી ક્રેડીટકાર્ડ તેમજ ફોન લઇ જઇ ક્રેડીટ કાર્ડમાંથી રૂ.4.80 લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી વાપરી નાખ્યા હતા. ત્યારે આ બાબતની જાણ જમલીબેન થતા તેઓએ 3 પાસે ક્રેડીટ કાર્ડ દ્વારા વાપરી નાખેલા નાણાં પરત માંગવા જતા પૈસા થોડા સમયમાં પરત આપી દઇશું તેમ જણાવી આજ દીન સુધી પરત આપ્યા ન હતા. જેથી 4.80 લાખની ઠગાઇ કરતા જમલીબેને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.