ગોધરા ધનરાજ જવેલર્સમાં નોકરી કરતી સેલ્સગર્લ સ્ટાફે 1.26 કરોડના દાગીના ચોરી બોયફ્રેન્ડને પધરાવતા પોલીસ ફરિયાદ નોંધાતા યુવતીની અટકાયત

ગોધરા શહેરના અતિ ભરચક ગણાતા વિસ્તાર એલ.આઈ.સી.રોડ ઉપર આવેલી ધનરાજ જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાનો શો-રૂમ ધરાવતા વેપારીને ત્યાં નોકરી કરતી સેલ્સ ગર્લએ મોટો ખેલ પાડ્યો હતો. દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ન જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની છુપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ધટના બહાર આવી છે.સેલ્સ ગર્લ યુવતીએ સવા કરોડ જેટલી રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાની વેપારીની પુછપરછમાં બહાર આવતા આખરે સેલ્સગર્લ યુવતી સામે ચોરીની પોલીસ ફરિયાદ ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના એલ.આઈ.સી.રોડ પર હિમાંશુભાઈ વિજયભાઈ અડવાણી પોતે ધનરાજ જવેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં એક વર્ષ પહેલા અનુષ્કા પારવાણી નામની યુવતીએ નોકરીએ રાખી હતી. હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે સોનાના દાગીનાની ગણતરી કરવાનુ ચાલુ કર્યુ હતુ. ત્યારે સોનાની 16 નંગ ચેઈન, સોનાની બંગડીઓ 49ના દાગીના ઓછા પડ્યા હતા. આથી હિમાંશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પુછતા અનુષ્કા પારવાણીએ જણાવ્યુ હતુ કે,તેણે દાગીના ચોરી ધાનકાવાડ ખાતે રહેતા મારા બોયફ્રેન્ડ નીમેશ લીલારામ ઠાકવાણીને આપી દીધા હતા. ચોરાયેલી દાગીનાનુ કુલ વજન 1721.030 ગ્રામ થવા પામ્યુ છે. આમ કુલ રૂ.1.25 કરોડની કિંમતના ધરેણાની ચોરી થતાં સેલ્સગર્લ અને તેના બોયફ્રેન્ડ સામે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.