ગોધરા કોર્ટે વિશ્ર્વાસઘાત છેતરપીંડીના કેસમાં આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની સ્થાવર મિલકતો જપ્ત કરવાનો કરેલ હુકમ

ગોધરા,

ઘણાં સમયથી ગોધરા કોર્ટમાં ચાલતા વિશ્ર્વાસઘાત છેતરપીંડીના કેસમાં આરોપીઓ હાજર રહેતા ન હોવાથી અને વોરંટ થી પણ પકડાતા ન હોવાથી આખરે ગોધરા કોર્ટે આરોપીઓને વોન્ટેડ, ભાગેડુ જાહેર કરીને તેમની ગોધરામાં આવેલી સ્થાવર મિલકતો જપ્તીમાં લેવાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે. વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી ગોધરા અર્બન કો.ઓપ. બેંક માંથી આરોપી 1. હારૂન એહમદ હુસેન જરગાલ, 2.એહમદ હુસેન અબ્દુલ મજીદ જરગાલ, 3. હસન ગુલામ રસુલ ચરખા તમામ રહેવાસી, મોહમદી મહોલ્લા, ગોધરા નાઓએ ટાટા સુમો જી.જે.1.એચએચ. 9437 ખરીદ કરવા રૂપિયા 1,20,000/-ની વ્હીકલ લોન તા.31-7-2000 નારોજ લીધી હતી અને આ ટાટા સુમો વાહન બેંકમાં ગીરો કરાર લખી આપીને ગીરો મુકેલ હતો. આ ગીરો કરારની શરતો મુજબ જ્યાં સુધી લોનની સંપૂર્ણ રકમ ચૂકતે ન થઇ જાય ત્યાં સુધી આ વાહન કોઈને પણ વેચાણ કરી શકાય નહિ અને બેંક જયારે પણ વાહન જોવા તપાસવા માંગે ત્યારે બેન્કના અધિકારીઓને વાહન બતાડવું જરૂરી છે. તેમ છતાં આરોપીઓએ સદર લોનની રકમ બાકી હોવા છતાં લોન વાળું વાહન બરોબર સગેવગે કરી નાખેલ. તેથી ફરિયાદી બેન્કે આરોપીઓ પર વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરવા બાબતની ફરિયાદ કરી હતી. તે કેસમાં ગોધરા કોર્ટે આરોપીઓને હાજર રાખવા પકડ વોરંટ કાઢવા છતાં માત્ર આરોપી નંબર એક હાજર રહેલ છે અને આરોપીઓ નંબર 2 અને 3 ગણા લાંબા સમયથી કોર્ટમાં હાજર રહેતા ન હતા. તેના કારણે કેસની કાર્યવાહી આગળ ચાલી શક્તિ ન હતી. તેથી ફરિયાદી બેન્કે ગોધરા કોર્ટમાં આરોપીઓ નંબર 2 અને 3 ને સદર કેસમાં ભાગેડુ જાહેર કરીને તેમની સ્થાવર અને મિલકતો જપ્તીમાં લેવા અરજી કરતા ગોધરાના ત્રીજા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ બી.એસ.ગેહલોતએ આરોપી નંબર, 2. એહમદ હુસેન અબ્દુલ મજીદ જરગાલ અને 3. હસન ગુલામ રસુલ ચરખા તમામ રહેવાસી મોહમદી મહોલ્લા ગોધરા નાઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 82 મુજબ ભાગેડુ જાહેર કરેલ છે અને આ આરોપીઓને તા 20.3. 2023 ના રોજ કોર્ટમાં હાજર થવાનું જાહેરનામું પ્રસિદ્દ કરવા હુકમ કરેલ છે અને આરોપી નંબર-2 ની માલિકીનું પ્લોટ નંબર 66 સીટી સર્વે નંબર 773 વેસ્ટ વિભાગ ગોધરામાં આવેલ મકાન જપ્તી માં લેવા સીઆરપીસી કલમ 83 (2) મુજબ જપ્તીમાં લેવા જીલ્લા મેજીસ્ટ્રેટ ગોધરા પંચમહાલને હુકમ કરેલ છે અને ફરિયાદી બેન્કના મેનેજરને આ મકાનના રીસીવર તરીકે નિમેલ છે. આરોપીઓને કોર્ટમાં હાજર રાખવા આરોપીઓને ભાગેડુ જાહેર કરીને તેમની સ્થાવર મિલકતો જપ્તીમાં લેવા અદાલતે હુકમ કરતા ગોધરા શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે અને આવા ભાગેડુ આરોપીઓમાં ભયનો માહોલ બનેલ છે.