જમીન વેચાણ ના નાણા લઈને જમીન વેચાણનો દસ્તાવેજ કરી નહીં આપવા તેમજ તે બાબતે લીધેલા નાણા પરત આપવા માટે આપેલા ચેક રિટર્ન થવા મામલે ગોધરા કોર્ટમાં કરવામાં આવેલા ગોધરા કોર્ટના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા મુકેશભાઈ બાબુભાઈ સોલંકીને એક વર્ષની સાદી જેલ તેમજ ચેક ની રકમના રૂપિયા 9,90,000 કોર્ટમાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને પોલીસ દ્વારા ગતરોજ આરોપી મુકેશ બાબુભાઈ સોલંકી ને ઝડપી પાડી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામની જમીન વેચાણ કરવાની છે તેમ મુકેશ બાબુભાઈ સોલંકી દ્વારા અબ્દુલ લતીફ ઇશાક ભટુક ને જણાવવામાં આવતા અબ્દુલ લતીફ ઇશાક ભટુક દ્વારા સંયુક્ત માલિકીની જમીનમાં અલગ અલગ ભાગીદારોને જમીનની વેચાણ માટે નક્કી કરવામાં આવેલા નાણા ચેકથી ચૂકવવામાં આવ્યા હતા. નાણા મેળવી લીધા બાદ અલગ અલગ ભાગીદારો ને દસ્તાવેજ કરવા માટે લાવવા નો ભરોસો મુકેશ સોલંકી દ્વારા આપવામાં આવ્યા બાદ પણ જમીનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરવામાં આવી હતી. અરજદાર અબ્દુલ લતીફ ઇશાક ભટુક દ્વારા સમગ્ર મામલે મુકેશ સોલંકીને તેઓએ આપેલી રકમ પરત આપવા માટે જણાવતા આરોપી મુકેશ સોલંકી એક વર્ષ પહેલા સમગ્ર રકમનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા અરજદાર દ્વારા ગોધરા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ નંબર કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મુકેશ બાબુભાઈ સોલંકી ને સમગ્ર મામલે તેમ જ પુરાવાઓ ના આધારે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી જેલની સજા તેમજ એક મહિનાના સમયગાળામાં ચેક ની રકમ માંથી 9 લાખ 90 હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવા માટે નો હુકમ કરવામાં આવ્યો હતો. અને જો ચેક ની રકમના નાણા ત્રીસ દિવસમાં જમા કરવામાં ન આવે તો વધારાની છ મહિનાની સાદી જેલનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ કરવામાં આવ્યા બાદ આરોપી દ્વારા સમય મર્યાદામાં નાણા જમા કરાવવામાં આવ્યા ન હતા. જે મામલે ગોધરા ડિવિઝન પોલીસ દ્વારા ગત રોજ આરોપી મુકેશ સોલંકી ની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.