- વર્ષ ૨૦૦૮માં ચેકડેમમાં ગેરરીતિ બાબતે સરકારી નાણાં ની રિકવરી બાકી હોઈ કોંગ્રેસ દ્વારા વાંધા અરજી અપાઈ હતી.
- અરજીને લાંબી સુનાવણી બાદ ચૂંટણી અધિકારી દ્વારા ફગાવાતા કોંગ્રેસ દ્વારા નિર્ણયને અન્યાય ગણાવ્યો
- ભાજપના બે ઉમેદવારોને ચુંટણી લડવા માટે મંજુરી આપવામાં આવી હતી.
- પંચમહાલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીના આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે.
ગોધરા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ચકાસણી વખતે વોર્ડ નંબર ૧ અને ૪ માં ભાજપના મેન્ડેટ ઉપરના બે ઉમેદવારોના ફોર્મના ચકાસણી સામે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમમાં ગેરરીતિ બાબતે સરકારી નાણાં ની રિકવરી બાકી હોવાના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. જેમાં વાંધા અરજીને લાંબી સુનાવણી બાદ ચૂંટણી અધિકારી દ્વારા ફગાવાતા કોંગ્રેસ દ્વારા નિર્ણય અન્યાયરૂપ ગણાવ્યો હતો. અને ભાજપના બે ઉમેદવારોને ચુંટણી લડવા માટે મંજુરી આપવામાં આવી હતી. આમ, દિનભર રાજકીય ડ્રામા ચાલીને નમતી સાંજે ચુંટણી અધિકારી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા અનુસાર, ગોધરા નગરપાલિકા સામાન્ય ચુંટણી માટે વોર્ડ નંબર -૪ માં ભારતીબેન સતીષભાઈ પટેલ રહે.ચોખંડીપોળ , કાઠીયાવાડ ગોધરાએ ઉમેદવારીપત્ર ભરેલ છે. આજ તા.૧૫/૦૨/૨૧ ના રોજ ઉમેદવારીપત્રની ચકાસણી દરમ્યાન આમુખ (૧) ના અરજદાર રાણા મિતલબેન અમિતકુમારએ વોર્ડ નં.૪ ના ઉમેદવાર ભારતીબેન સતીષકુમાર પટેલની ઉમેદવારી સામે તેઓ પાસે નગરપાલિકા, ગોધરાનું લ્હેેણું વસુલ કરવાનું બાકી હોઈ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ (૧૧) (૧) (જી) હેઠળ ગેરલાયક ઠરતા હોઈ ઉમેદવારી રદ કરવા રજુઆત કરેલ છે.
ગોધરા નગરપાલિકામાં મેશરી નદી ઉપર બનાવેલ ચેકડેમની ઉંચાઈ વધારવા અંગે ટેકનીકલ રીતે ચકાસણી કર્યા સિવાય અને કાયદાની જોગવાઈ વિધ્ધ કામ કરી ખર્ચ કરવા અંગે ઠરાવ નં.૧૫ તા.૧૦/૦૬/૨૦૦૮ થી બહુમતીએ પસાર કરીને ખર્ચ કરેલ હોવાથી જે તે જવાબદારો સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૩૭ અને ૭૦ હેઠળ પગલા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તપાસના અંતે નિયામક, નગરપાલિકાઓ , ગુજરાત રાજય, ગાંધીનગરના હુકમ નં. નપાનિ /લીગલ /ગોધરા ન.પા/કલમ ૭૦/ એસ.આર નં .૧૧/૨૦૧૦/ વશી /૧૦૪૯ ૨૦૧૧, તા .૧૦/૧૦/૨૦૧૧ થી ગોધરા નગરપાલિકાના પટેલ ભારતીબેન સતીષભાઈ સહિત કુલ ૨૩ (ત્રેવીસ ) સભ્યોને જવાબદાર ઠરાવી વ્યકિત દીઠ રૂ.૨૩,૯૧૩/- વસુલ કરવાપાત્ર થતાં નગરપાલિકા અધિનિયમની કલમ -૭૦ (૧) મુજબ આ રકમ એક (૧) માસમાં ગોધરા નગરપાલિકામાં જમા કરાવી દેવા અને જમા કરાવવામાં ન આવે તો નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૭૦ (૩) મુજબ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ લેવા હુકમ કરવામાં આવેલ છે. નિયામક, નગરપાલિકાઓ, ગુજરાત રાજય, ગાંધીનગરના ઉકત હુકમ સામે કસુરદારોએ પંચમહાલના પાંચમાં એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટ સમક્ષ દિવાની પરચુરણ અરજી નં. ૯૨/૨૦૧૧ દાખલ કરેલ હતી. જે ચાલી જતાં એડીશનલ ડીસ્ટ્રીકટ જજ, ગોધરાના તા. ૯/૧/૨૦૧૮ના હુકમથી વિવાદીનોની અરજી નામંજુર કરવામાં આવેલ છે.
અરજદારની વાંધા અરજી અન્વયે ગુજરાત યુનિસપાલિટીઝ એકટની કલમ -૧૧ (૩) (ઇ)-(ખ) ની જોગવાઈ અન્વયે નગરપાલિકા દ્વારા બાકીદારોને વસુલાત માટે ખાસ નોટીસ આપવામાં આવેલ છે કે કેમ ? તે અંગે અત્રેના તા.૧૫/૦૨/૨૦૨૧ ના પત્રથી મુખ્ય અધિકારી, નગરપાલિકા, ગોધરા પાસેથી સ્પષ્ટતા મંગાવતા તેઓના તા.૧૫/૦૨/૨૦૨૧ ના પત્રથી તા. ૨/૮/૨૦૧૮ થી ભારતીબેન સતીષભાઈ પટેલને હુકમ અન્વયે નાણાં ભરવા માટે નોટીસ આપેલ જોવાનું જણાવેલ છે. રજુ થયેલ વિગતો જોતાં ડીસ્ટ્રીકટ કોર્ટ , ગોંધરાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં.૮૯૦૪/૨૦૧૮ દાખલ થયેલ છે. જેથી મેટર હાલ સબજયુડિશીયલ છે. ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ ૧૧ (૩) (ઇ) – (ખ) મુજબ નગરપાલિકાની તેની પાસે (ટ્રસ્ટી તરીકે હોય તે સિવાયની) લેણી નીકળતી હોય તેવી કોઇપણ પ્રકારની કાઇપણ બાકી તેના પર આ અર્થે રાજય સરકારે કરેલ નિયમોનુસાર ખાસ નોટીસ બજાવવામાં આવી હોય ત્યારપછી ત્રણ (૩) મહિનાની અંદર આપવાની ચુકે તો તે ગેરલાયક ઠરે છે. નગરપાલિકા, ગોધરા દ્વારા કસુરદારને આવી કોઇ ખાસ નોટીસ આપેલાનું જણાતું નથી. આથી, આ કામે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં.૮૯૦૪/૨૦૧૮ થી આ બાબત હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે તથા ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ -૧૧ (૩) (ઇ)-(ખ) મુજબ મુખ્ય અધિકારી, નગરપાલિકા, ગોધરાએ ખાસ નોટીસ આપેલ હોવી જોઈએ જેનું પાલન થયેલાનું પ્રસ્તુત કેસમાં જણાતું નથી. આમ, વી.આર.સકસેના (જી.એ.એસ.) ચુંટણી અધિકારી, નગરપાલિકા, ગોધરા અને નાયબ કલેકટર , ગોધરા પ્રાંત , ગોધરા વાંધેદારની વાંધા અરજી “અગ્રાહય રખાયો હતો.
પંચમહાલ કોંગ્રેસ ચૂંટણી અધિકારીના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે…..
ચુંટણી અધિકારી તરીકે અપાયેલ ન્યાય અન્યાયરૂપ છે. કારણ કે વોર્ડ નં.૧ના ઉમેદવાર રોશનભાઈ ભેદી બિનહરીફ થવાના હતા. ગોવિંદભાઈ નાયકની સામે બાકી લ્હેણા હોવાથી વાંધા અરજી આપી હતી. જો પાલિકાના લ્હેણા બાકી હોય તો ઉમેદવારી કરી ન શકે તેમ છતાં જીતેલા ઉમેદવારો હોવા છતાં હડહડતો અન્યાય કર્યો છે. જ્યારે વોર્ડ નં.૪ ના ભારતીબેન પટેલના પણ બાકી લ્હેણા હોવાથી મીતલબેન બિનહરીફ થતા હતા. આ બાબતે મેટર હાઈકોર્ટમાં ચાલે છે. તેમાં કોઈ સ્ટે આપેલો નથી. તેમ છતાં સરકારીની વશ થઈને ખોટા નિર્ણય આપવામાં આવીને કોંગ્રેસના ઉમેદવારોને અન્યાય કરવામાં આવતાં આગામી સમયમાં આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે. અને બન્ને ઉમેદવારોને બિનહરીફ જીતાડીશું.
:- આબિદભાઈ શેખ, કોંગ્રેસના અગ્રણી અને વકીલ.
વાંધેદાર તેમજ ઉમેદવારની શું રજુઆત ધ્યાને લેવાઈ……
આ હકીકતે વાંધેદાર તેમજ ઉમેદવારની રજુઆત ધ્યાને લેતાં નિયામક, નગર પાલિકાઓ, ગુજરાત રાજય, ગાંધીનગરના હુકમ નં. નપાનિ/લીગલ/ગોધરા ન.પા/કલમ -૭૦ એસ.આર.નં. ૧૧/૨૦૧૦/વશી/૧૦૪૯/ ૨૦૧૧, તા.૧૦/૧૦/૨૦૧૧ થી કુલ ત્રેવીસ ( ૨૩ ) સભ્યો સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૭૦ (૩) મુજબ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ લેવા અંગે હુકમનામું કરેલ છે. તેમાં હુકમની વિગતે જણાવેલ સભ્યોને ગેરલાયક ઠરાવેલ હોવાનું જણાતુ નથી. વધુમાં મજકુર કાયદાની કલમ-૭૦ (૪) મુજબ સક્ષમ અધિકારીના નિર્ણય અથવા પગલાથી નારાજ થયેલી વ્યકિત જિલ્લા કોર્ટને અપીલ કરી શકે છે. સદર હું કોર્ટ તે હુકમને બહાલ રાખી શકે છે, તેમાં ફેરફાર કરી શકશે અથવા રદ્દ કરી શકશે તેવી જોગવાઈ પણ કરેલ છે. આમ, નિયામક, નગરપાલિકાઓ ગુજરાત રાજય, ગાંધીનગરના તા.૧૦/૧૦/૨૦૧૧ ના હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટ, ગોધરા ખાતે અપીલ થયેલ જે ચાલી જતાં કસુરવારોની અપીલ અરજી નામંજુર કરેલ છે.તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં હાલ વિચારાધિન છે. જેથી ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ -૭૦ ની જોગવાઈઓ મુજબ નામદાર હાઈકોર્ટના ચુકાદાને આધિન કાર્યવાહી કરવાની થતી હોઈ આ કામે જરૂરી હુકમ કરવામાં આવે છે.