- કાસમ હુસૈન હઠીલા નામના વ્યક્તિએ નાયબ મામલતદાર અને કારકુનને સરકારી કામ કરતા રોકીને ફરજમાં રૂકાવટ ઊભી કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ.
- ફરિયાદ દાખલ થતા સરકારી કામોમાં અડચણ પેદા કરતા અને સરકારી કર્મચારીઓને ધાક ધમકી આપતા ઈસમોમાં ફેલાયો ફફડાટ.
કલેકટર કચેરી પંચમહાલ-ગોધરા ખાતે કાસમ હઠીલા નામના ઈસમ દ્વારા સરકારી કામમાં અવરોધ પેદા કરી, બીભત્સ અપશબ્દો બોલી કર્મચારીઓ સામે દાદાગીરી કરીને દબાવવાની કોશિશ કરતા કલેક્ટર કચેરી ગોધરા ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પ્રજ્ઞેશ વિઠ્ઠલભાઈ પ્રજાપતિએ કલેકટર પંચમહાલને આ સમગ્ર બનાવ અંગે લેખિત રજૂઆત કરતા જીલ્લા કલેકટરએ કાસમ હઠીલા નામના ઈસમ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ આપેલ, જે અન્વયે કાસમ હુસૈન હઠીલા, રહે પોલન બજાર, વાલી ફળિયા નંબર 03, તાલુકો ગોધરા સામે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થતા આ પ્રકારની સરકારી કામોમાં અડચણ પેદા કરતા અને સરકારી કર્મચારીઓને ધાક ધમકી આપતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.
પોલીસ ફરિયાદ નોંધાયા મુજબ ગત રોજ તા.04 સપ્ટેમ્બર 2024ના રોજ કાસમ હુસૈન હઠીલા દ્વારા કલેક્ટર કચેરીના ચીટનીશ શાખામાં આર.ટી.એસ.દફતર ઉપર ફરજ બજાવતા કારકુન કૌશિક પ્રવિણચંદ્ર બારીઆના ટેબલ પર આવીને સરકાર તેમજ કલેકટર તરફે અને કારકુન કૌશિક પ્રવિણચંદ્ર બારીઆ તરફે બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે પૈસા વગર કોઈ કામ કરતા નથી. આ બાબતે કર્મચારીઓએ આ શખ્સને ગાળો ના બોલવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈને વધારે ગાળો બોલવા લાગ્યા હતા.
આ તકે નાયબ મામલતદાર અને કારકુન દ્વારા હકક પત્રકને લગતી અગત્યની કામગીરીમાં નિર્ણય લેવા સંબધેની કામગીરી કરતા હોઈ, ઈસમએ સરકારી કામમાં વિક્ષેપ પાડ્યો હતો. કચેરી ખાતે ફરજમાં રૂકાવટ સાથે કાસમ હઠીલા નામના વ્યક્તિએ બંને રાજ્ય સેવકોને જાનથી મારી નાખવાની,એ.સી.બી.ના કેસમાં ફસાવી દેવાની તથા કરિયર પૂરૂં કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી. આ તકરાર અંગે કર્મચારી,અધિકારીઓ દ્વારા કાસમ હઠીલાને શાંત પાડવા પ્રયાસો કરાયા પણ તે શાંત થયેલ નહિ.
સમગ્ર મામલે બંને કર્મચારીઓએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરતા તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપતા આ કાસમ હુસૈન હઠીલા વિરૂધ્ધ ગોધરા બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.