ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી સામે વિસ્થાપીતોના ગંભીર આક્ષેપ ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા પુત્ર સહિત વગદારોએ વિસ્થાપીતોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ

  • ૪૦ વર્ષ સુધીના સંધર્ષ બાદ પતંગડીના અસરગ્રસ્તો જમીનથી રહ્યા વંચિત.
  • અસરગ્રસ્તોને ફાળવેલ જંગલ ખાતાની સનદો મળતાં જ થયા દસ્તાવેજો.
  • ડુબાણમાં ગયેલી જમીનના બદલામાં આપેલી જમીનના વેચાણ દસ્તાવેજ ધરે બેઠા થયા.
  • અસરગ્રસ્તો એ કલેકટર સહિત મુખ્યમંત્રીને કરેલ રજુઆતને લઈ તંત્ર તેમજ સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ થશે ખરી ?

ગોધરા,
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનોની અદલવાડા સિંચાઈ યોજના અને હડફ, કબુતરી યોજના અસરગ્રસ્તો હોય આ તમામ અસરગ્રસ્તોને ડુબાણમાં ગયેલ જમીનના બદલામાં ગોધરા તાલુકા છબનપુરમાં જંગલ ફોરેસ્ટની જમીન ફાળવવામાં આવી હતી. આ અસરગ્રસ્તો એ જમીનના માલિક બનાવા માટે ૪૦ વર્ષ સુધી લડત આપીને સનદો મેળવી એક હકક માલિક બન્યા હતા. છબનપુર ગામ વડોદરા-શામળાજીના મુખ્ય હાઈવે માર્ગ ઉપર આવેલ છે અને વિસ્થાપીતોને મળેલ આ જમીન હાઈવે રોડ ટચ આવેલ હોવાથી તેની બજાર કિંમત કરોડોમાં છે. જેથી આ કરોડો રૂપીયાની જમીન ગોધરા ધારાસભ્યના પુત્ર એ તેમના મળતીયાઓ સાથે મળીને છેતરપિંડી કરીને દસ્તાવેજો કરી જમીન પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે પાંચ અસરગ્રસ્તો દ્વારા જીલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રીને લેખિત અરજી કરીને ન્યાયની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા અસરગ્રસ્તોની જમીન પડાવી લેવાના આક્ષેપ સાથેની રજુઆતને લઈ રાજકીયક્ષેત્ર હડકંપ મચી જવા પામ્યો છે.

દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનો અદલવાડા સિંચાઈ યોજના, હડફ, કબુતરી યોજનામાં ડુબાણમાં જમીનો ગયેલ હોય આ તમામ અસરગ્રસ્તો કનુભાઈ અમરાભાઈ ચૌહાણ, ગિરવતસિંહ ચૌહાણ, ચંપાબેન મંગળસિંહ પગી, સોમાભાઈ અમરાભાઈ ચૌહાણ, રેશમબેન લાખાભાઈ પગીને ગોધરા તાલુકાના છબનપુર ગામે જંગલ ફોરેસ્ટ ખાતાની જમીન ફાળવવામાં આવી હતી. આ તમામ અસરગ્રસ્તોને મૂળ માલિક બનાવા માટે ૪૦ વર્ષ સંધર્ષ કરીને સનદો મેળવીને કબ્જેદાર એક હકકે માલિક બન્યા હતા. છબનપુર ગામે હાઈવે રોડ નજીકની નવી શરતની કરોડો રૂપીયાની લગડી જમીનો હાલમાં થાય છે. આ તમામ પાંચ અસરગ્રસ્તોની જમીન ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમના પુત્ર માલવદીપસિંહ ચંદ્રસિંહ રાઉલજી અને તેમના મળતીયાઓ દ્વારા છેતરપિંડી કરી દસ્તાવેજો બનાવી જમીન લઈ લીધી હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેકટર, મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી છે. અસરગ્રસ્તો દ્વારા ધારાસભ્ય અને તેમના પુત્ર વિ‚દ્ધ કરેલ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છબનપુર ગામે અસરગ્રસ્તોની જમીન નવી શરતની હોવા છતાં રેવન્યુ નંબર માંથી શરત નંબર તથા ગુજરાત સરકારના મહેસુલ ઠરાવોનો ભંગ કરી અસરગ્રસ્તોની જાણ બહાર ખોટી રીતે રેવન્યુ દફતરે નામ કરી દીધી છે. રેવન્યુ અધિકારી, સર્કલ ઓફિસર, મહેસુલ ગોધરા, મામલતદાર ગોધરા, ધારાસભ્ય સહિતના મળતીયાઓના ઈશારે મહેસુલ વિભાગની શરતો વાંચ્યા વગર, સરકારના મહેસુલ વિભાગના ઠરાવોની અનદેખી કરીને અમારી જમીનની વેચાણ નોંધ ખોટી રીતે પ્રમાણિત કરેલ છે.

જેની તપાસ કરી જમીનને ખાલસા કરીને મૂળ અસરગ્રસ્તો જમીન માલિકોના નામ દાખલ કરવામાં આવે તેમજ મહેસુલ શરતોનો ભંગ કરીને જમીન પડાવી લેવાના સમગ્ર ધટનામાં તેઓને સહકાર આપનાર અધિકારીઓની તપાસ કરાવીને ફોજદારી ફરિયાદ નોંધાવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. અસરગ્રસ્તોની જમીન પડાવી લેવાના આક્ષેપ સાથેના વિડીયો વાયરલ થતાં રાજકીયક્ષેત્રે પણ હડકંપ મચી જવા પામ્યો છે.વિસ્થાપીતો એ રજુઆતોમાં જણાવ્યું છે કે, ગોધરા તાલુકાના છબનપુર ખાતે જમીનની સનદો અપાવવાની છે તેમ કહી સબરજીસ્ટાર કચેરી ખાતે તમોને જે પુછવામાં આવે તેનો જવાબ ‘હા’ માં જ આપવાનો જણાવી ધારાસભ્ય તેમના પુત્ર સહિત તેઓના મળતીયાઓએ છેતરપિંડી થી જમીન પચાવી પાડવા હેતુ વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો હોવાનું લેખિત રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત જમીન વેચાણ માટે કોઈ સરકારી કચેરીમાં ગયા વગર ધર બેઠા જ અભણ વિસ્થાપીતોની જમીન વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યંું છે.

વિસ્થાપીતોના ધરે આવી જે પુછે તેનો જવાબ ‘હા’માં આપવો તેવું કહેતો વિડીયો અને રાત્રીના સમયે વિસ્થાપીતોના ધરે જઈ મોબાઈલની બેટરીના અજવાળે અસરગ્રસ્તોની સહીઓ લેવાનો વિડીયો પણ વિસ્થાપીતો દ્વારા મીડીયા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે વિસ્થાપીતો દ્વારા કરેલ રજુઆતને લઈ રજુઆત કર્તાઓને તેમજ તેમના કુટુંબજનોને હેરાન કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ વિસ્થાપીત અસરગ્રસ્તો તેમજ તેમના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપિંડીના આક્ષેપ થતાં સમગ્ર જીલ્લામાં તેમજ રાજયના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

છબનપુર ગામના અસરગ્રસ્તોની ધારાસભ્ય અને તેના પુત્ર દ્વારા જમીન દસ્તાવેજો કરી લેવાના કિસ્સો ગરમાયોછે. તેની વચ્ચે અસરગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે. તે મુજબના પૈસા મળી ગયા છે. તમારે અધિકારી સમક્ષ હા કહેવાનું તેવા વિડીયો પણ વાયરલ થયા છે.

રાત્રીના સમયે વિસ્થાપીતોની સહીઓ કરતો વિડીયો વાયરલ….

ગોધરા તાલુકાના છબનપુર ગામે રાત્રીના સમયે મોબાઈલના બેટરીના અજવાળામાં વિસ્થાપીત અસરગ્રસ્તોના જમીનના દસ્તાવેજો ઉપર સહીઓ કરાવતો વિડીયો વાયરલ થઈ જતાં પંચમહાલ જીલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી વિસ્થાપીતોની અસરગ્રસ્તોની જમીન પચાવી પાડવાના આક્ષેપો અસરગ્રસ્તો દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર સામે કરવામાં આવી રહ્યા છે. તેમાં રાત્રીના સમયે સહીઓ લેવાનો વિડીયો વાયરલ થઈ જતાં અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને આ વિડીયો પુરવાર સાબિત થતો હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.