ગોધરા શહેરમાં રાત્રિના સમયમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગોધરામાં સતત ધમધમતા એવા સિવિલ હોસ્પિટલથી રેડક્રોસ સોસાયટી સુધીની સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે.
હાલ ચોમાસાના વાતાવરણને કારણે વરસાદી માહોલ પણ સર્જાય છે. આવા સમયે રાત્રિના સમયે દવાખાને આવતા દર્દી સહિત વિસ્તારના લોકોને અંધારાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક રહિશો દ્વારા પાલિકામાં લાઈટો ચાલુ કરવામાં કરાયેલ મોૈખિક રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે. સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં ન આવતા વિસ્તારના લોકોમાં તથા દવાખાને આવતા દર્દીઓ સહિતનાઓ નગરપાલિકા સામે રોષની લાગણી ફેલાઈ છે. અંધારાને કારણે રસ્તો ક્રોસ કરતા લોકોમાં કે વિસ્તારમાં પસાર થતાં રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા વિસ્તારની બંધ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.