ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત અને કાન-ગળા, રેડીયોલોજીસ્ટ તબીબ ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી

ગોધરા,

પંચમહાલ જિલ્લાની મુખ્ય અને પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક થી સ્ત્રી રોગ નિષ્ણાત, કાનના ગળા અને રેડિયોલોજિસ્ટ તબીબ નહીં હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ના છૂટકે દર્દીઓને નાણા ખર્ચી ખાનગી દવાખાનાનો સહારો લેવો પડી રહ્યો છે. અહીં આવતા દર્દીઓને હોસ્પિટલમાં તબીબો ઉપસ્થિત નહીં હોવાથી વડોદરા રિફર કરવામાં આવતા હોય છે. જેથી દર્દીઓ વડોદરા જવાનું ટાળી દર્દીઓ ગોધરા ખાતે જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ પોતાની જરૂરિયાત પૂરી કરતાં જોવા મળી રહ્યા છે .ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં કાયમી ધોરણે આ તબીબોની નિમણૂક કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર સહિતના જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ આરોગ્ય લક્ષી સેવા મફતમાં પૂરી પાડવા માટે ની વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, સાથે જ કેટલીક ખાનગી હોસ્પિટલોની સારવાર માટે આયુષ્યમાન ભારત કાર્ડ જેવી યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ સરકારની કેટલીક કહેવાતી મોટી હોસ્પિટલમાં જ રોજીંદી જરૂરિયાતના તબીબો હોવા જોઈએ જે ઉપલબ્ધ નહીં થવાથી દર્દીઓને જરૂરિયાત સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવું જ કંઈક પંચમહાલ જિલ્લા અને મુખ્ય કહેવાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવતા હોય છે, સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સ્ત્રીઓ પ્રસુતિ માટે તેમજ અન્ય બીમારીઓને લઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતી હોય છે. પરંતુ ગોધરા સિવિલ હોસ્પિટલની હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અહીં સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ ની બદલી થઈ જતાં હાલ બે માસથી કાયમી ધોરણે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ, કાનના-ગળાના તબીબ અને લાંબા સમયથી રેડિયોલોજિસ્ટ ની જગ્યા ખાલી જોવા મળી રહી છે. કાયમી ધોરણે આ તબીબોની નિમણૂંક નહીં હોવાથી જરૂરિયાત સમયે કેટલાક દર્દીઓને ધરમ ધક્કા ખાય ના છૂટકે નાણાં ખર્ચી ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ગોધરાના જનપ્રતિનિધિઓના જણાવ્યા મુજબ અહીં હાલ જે દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. તેઓને એક્સરે સહિતની સુવિધા માટે બહાર જવું પડતું હોય છે સાથે જ અહીં સીટી સ્કેન માટેની જે સુવિધા હતી. તે મશીન પણ હાલ ધૂળ ખાવાની સ્થિતિમાં હોવાથી દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલ નો સહારો લેવો પડી રહ્યા છે. સીટી સ્કેન મશીન ખંડેર હાલતમાં બનતા જે તે સમયે રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારને રજૂઆત કરાઈ હતી ત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ જે હાલ સુધી માત્ર ઠાલા વચનો સમી જ જોવા મળી રહી છે. જેથી વહેલી તકે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ, કાનના ગળાના તબીબ અને રેડિયોલોજિસ્ટની કાયમી નિમણૂંકની માંગણી કરવામાં આવી રહી છે. સાથે જ ગોધરા સીવિલ હોસ્પિટલમાં કાયમી જનરલ સર્જન અને આરએમઓની પણ નિમણૂંક કરવામાં આવે એવી માંગણી હાલ જન પ્રતિનિધિઓના માધ્યમથી જિલ્લાની જનતામાં ઉઠી છે.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ ઉપરાંત સ્ત્રી રોગ નિષ્ણાત તબીબની અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર થઈ જતાં હાલ જગ્યા ખાલી છે, પરંતુ જેની સામે હાલ સપ્તાહમાં ત્રણ દિવસ હંગામી ધોરણે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ સેવા આપી રહ્યા છે. કાનના ગળાના તબીબની પણ ટ્રાન્સફર થઈ જતાં તેઓની જગ્યા હાલ ખાલી છે અને સીટી સ્કેન સેવા હાલ બંધ છે. આ તમામ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ વહેલી તકે આ સેવાઓ દર્દીઓને મળી રહેશે એમ હાલ તો સિવિલના સત્તાધીશો જણાવતાં ઉમેરી રહ્યા છે કે એક્સ-રે ની સુવિધા અંગે અમને કોઈ ફરિયાદ મળી નથી. જોકે, બીજી તરફ ખુદ દર્દીઓ જ પોતે બહાર એક્સ રે કરાવવા જતા હોવાના નિવેદનો પણ સામે આવી રહ્યા છે.