
ગોધરા તાલુકાના પરવડી ગામના 28 વર્ષીય સગર્ભા મહિલાએ તારીખ 24/01/2024ના રોજ અધૂરા માસે લગભગ સાત મહિનાની સગર્ભા-અવસ્થાએ બે જોડિયા બાળકોને લારા હોસ્પિટલ ગોધરા ખાતે જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા જોડિયા બાળકોનું વજન ખુબજ ઓછુ હતું. સ્ત્રી બાળકનું વજન ફક્ત 1 કિલોને 40 ગ્રામ અને પુરુષ બાળકનું વજન 980 ગ્રામ હતું. બંને બાળકોને સત્વરે GMERS સંલગ્ન જનરલ હોસ્પિટલ ગોધરાના નવજાત શિશુ સઘન સારવાર વિભાગ (NICU) ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
ગોધરા જનરલ હોસ્પિટલની લાજવાબ કામગીરી : અધૂરા માસે જન્મેલા બે જોડિયા બાળકોને નવજાત શિશુ સારવાર કેન્દ્ર ખાતે 58 દિવસની સારવાર બાદ સ્વસ્થ કરાયા.
બંને બાળકોને બાળરોગ વિભાગનાં વડા ડૉ. જીગર ઠક્કરના માર્ગદર્શન હેઠળ લગભગ 58 દિવસ સુધી વિવિધરૂપે સઘન સારવાર આપ્યા પછી બંને બાળકોને સફળતાપૂર્વક રજા આપવામાં આવી છે. આ બાળકોની સારવારમાં ડૉ. હિમ્શ્વેતા અને ડૉ.ક્રિશ ઉપરાંત વિભાગના સમસ્ત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે. બાળકો સ્વસ્થ થતા માતા-પિતાએ ખુશી વ્યક્ત કરીને આભાર માન્યો હતો.
ડૉકટર જીગર જણાવ્યું હતું કે, અતી અધૂરા મહિને જન્મેલા બાળકોના આંતરિક અંગો જેવા કે ફેંફસા, હૃદય, મગજ વગેરેનો વિકાસ અપૂરતો હોવાથી આવા બાળકો સતત વિવિધ સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ઉપરાંત તેઓ માતાનું ધાવણ લેવા માટે અસક્ષમ હોવાથી તેમને લાંબા ગાળા સૂધી નળી વાટે દૂધ આપવું પડતું હોય છે. આવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોવાથી તેઓને ઝડપથી જીવલેણ ચેપ લાગવાની શક્યતા રહેતી હોય છે. આ બધી પરિસ્થિતિઓને જોતા આવા અધૂરા મહીને જન્મેલા બાળકોની સારવાર અઘરી અને પડકારરૂપ હોય છે. આ કટોકટી ભરી પરિસ્થિતિમાં અનેક ઉતાર ચડાવ વચ્ચે માતા-પિતા અને કુટુંબીજનોએ ધીરજ રાખવી તથા આશા જાળવી રાખવી બહુ જરૂરી હોય છે, જે આ કેસમાં જોવા મળ્યું હતું.
વિભાગના ડોક્ટરો રોજીંદારૂપે આવા પડકારજનક કેસો માટે બનતી સારવાર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. નવજાત શિશુની સારવાર માટે નર્સિંગ સ્ટાફની ભૂમિકા ખૂબ જ અગત્યની અને નિર્ણાયક હોય છે. આવા બાળકોને રજા પછી પણ નિયમિતરૂપે સલાહ મૂજબ તથા કઇ તકલીફ લાગતા તરત જ તપાસ કરાવતા રહેવું બહુ જરૂરી બને છે. જે તેમના લાંબા ગાળાના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ બહુ જરૂરી છે.
આ પ્રસંગે હોસ્પિટલના વડા અને સિવિલ સર્જન ડૉ.મોના પંડ્યાએ જણાવ્યું કે, હોસ્પિટલ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અમો કટિબદ્ધ છીએ. વિશેષ જ્યારે નાના બાળકોની વાત આવે ત્યારે હોસ્પિટલ NICU ખાતે સઘન સારવાર આપવામાં આવે છે. જિલ્લામાં બાળ મરણદરમાં અંકુશ લાવી શકાય તે માટે વાલીઓએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.