ગોધરા, ગોધરા શહેરના ચિખોદ્રા ખાતે આવેલી કેપસ્યુલ ફેકટરીની જમીન ખરીદીમાં નવી જ હકીકત બહાર આવવા પામી છે. આ જમીનમાં મકાન બાંધકામ કરીને રહેતા રહિશોએ વર્ષ-2016માં જ પોતાના મકાનનો દસ્તાવેજ કરી લીધો હોવા છતાં માલેતુજાર ભુમાફિયાઓએ ગરીબો પાસેથી પૈસા પડાવવા એકવાર વેચાયેલ જમીનોને ફરીથી દસ્તાવેજ કરાવી પોતે આ જમીનના માલિક હોવાનો દાવો કરી રહ્યા છે.
ચિખોદ્રા ગામે આવેલી સ.ન.350, 351 અને 352વાળી બિનખેતીની જમીન કોઠી મોહંમદ ફિરદોસ અબ્દુલ હકીમ(રહે.સલામત સોસાયટી, ફાતેમા મસ્જિદની પાસે ગોન્દ્રા, ગોધરા)એ ખરીદ-વેચાણ દસ્તાવેજ નં.-4321 થી તા.02/06/2022ના રોજ વેચાણ રાખેલ હતી. જે બિનખેતીની જમીનમાં મકાનો બનેલા હોવા છતાં કોઠી મહંમદ ફિરદોસે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાના આશયથી તે હકીકતનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરાવ્યો ન હતો. તેમજ ખોટુ સોગંદનામુ પણ કર્યુ હતુ. જેની જાણ સ્ટેમ્પ ડ્યુટી કલેકટર કચેરીને થતાં મહંમદ ફિરદોસ પાસેથી સ્ટેમ્પ ડ્યુટી ચોરીની રકમ વસુલવા નોટિસ આપી હતી. બીજી તરફ આ જમીનમાં વસતા રમઝાની મહંમદ હનીફ મણકીએ જે જમીનની પંચમહાલ કલેકટર દ્વારા તા.16/12/2009ના રોજ રહેણાંકના હેતુ માટે હેતુફેર પરવાનગી આપેલ હતી. તથા નગર નિયોજક ગોધરાએ તા.26/06/2009થી લે આઉટ પ્લાન મંજુર કરેલ હતો. જેની મામલતદાર કચેરી ખાતે તા.30/12/2009ના રોજ બિનખેતીની જમીન હેતુફેરની નોંધ પડાઈ હતી. જે નોંધ તા.07/05/2010ના રોજ સર્કલ ઓફિસરે પ્રમાણિત કરેલ હતી. તે જમીનના મંજુર થયેલ નકશા પૈકી ખાનગી પ્લોટ નં.249નો ખરીદ-વેચાણ દસ્તાવેજ તા.16/08/2013ના રોજ ઈન્ડિયન કેમિકલ ફાર્મ કેમ્પસ એન્ડ કેમિકલ પ્રા.લિ.મુંબઈના મેનેજીંગ ડિરેકટર રજની ભગત (રહે.બી-11, યુસુફ બિલ્ડિંગ, એમ.જી.રોડ, ફોર્ટ, મુંબઈ)ના કુલમુખ્ત્યાર તરીકે ભરતભાઈ કાળાભાઈ પટેલે વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. રમઝાની મોહંમદ હનીફ મણકીની જેમ કેપસ્યુલ ફેકટરીની આ જમીનમાં અંદાજે 325 જેટલા વ્યકિતઓને ભરતભાઈ પટેલે દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં આ જમીનને બીજી વાર વેચાણ કરાઈ હતી. આમ એક વખત વેચાણ થયેલ જમીન ખરીદી ભુમાફિયાઓ ગરીબ વ્યકિતઓ પાસેથી પુન: નાણાં ખંખેરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે.