ગોધરા ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઈદનો તહેવાર મનાવવા ભાણેજને લેવા ગયેલ વ્યકિત ઉપર બનેવી સહિત ચાર ઈસમોએ હુમલો કર્યો

ગોધરા,ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઝકરિયા મસ્જિદની બાજુમાં ઈદનો તહેવાર મનાવવા માટે ભાણેજને લેવા ગયેલા વ્યક્તિ પર બનેવી સહિત ચાર ઈસમો દ્વારા લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, સમગ્ર મામલે ચાર ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ વાલી ફળિયા નં.2માં રહેતા વસીમ અબ્દુલરહીમ દૂર્વેશ ઉર્ફે ટીપુએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, ગત 11 એપ્રિલ ગુરૂવારે સવારે તેઓ રમઝાન ઇદનો તહેવાર હોવાથી ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં આવેલ ઝકરિયા મસ્જિદની બાજુમાં રહેતા તેઓના ભાણેજના ઘરે તેઓની છોકરીઓને લેવા માટે ગયા હતા. ત્યારે ફૈયાઝ અબ્દુલઅજીસ બિદાની, ઇસ્માઇલ મેહબૂબ બીદાની, અનીસ ઈલ્યાસ બિદાની અને સુફિયાન ઇલ્યાસ બિદાની સહિતના ઈસમો ઘરે હતા. તમામ ઈસમોએ ભેગા મળીને વસીમ દૂર્વેશને જણાવ્યું હતું કે, તમે આજે કેમ છોકરીઓને લેવા માટે આવ્યા છો ?!તેમ જણાવીને ફૈયાઝ અબ્દુલઅજીસ બિદાનીએ તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ બરડામાં મારી દીધી હતી. જ્યારે ઇસ્માઇલ મેહબૂબ બિદા નીએ તેના હાથમાં રહેલો અસ્ત્રો વસીમ દૂર્વેશને કાનના ભાગે મારી દીધો હતો. જ્યારે અન્ય બે ઈસમો અનીસ ઈલ્યાસ બીદાની અને સુફિયાન ઈલ્યાસ બીદાનીએ પણ વસીમ દૂર્વેસને ગડદાપાટુંનો માર મારીને અપશબ્દો બોલીને જણાવ્યું હતું કે ફરી અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ, આજે તો બચી ગયો છે, હવે ફરી મળ્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં વસીમ દૂર્વેશને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાને લઈને તા 11 એપ્રિલ ગુરૂવારે અઢી કલાકે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.