
ગોધરા,
ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા અને રૂ.5000 નો દંડનો હુકમ તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ 6 મહિનાની સજા નો હુકમ ગોધરા કોર્ટે ફરમાવ્યો હતો.રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વિશ્ર્વસનીયતામાં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.
જેમાં વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી મનુભાઈ રયજીભાઈ ભીલ રહેવાસી કાંસુડી, નિશાળ ફળિયું , ગોધરાના પાસેથી અનારા પ્રાથમિક શાળા, કઠલાલમાં નોકરી કરનાર આરોપી રફીક એહમદ અમીન મિયા ખોખરનાઓએ જરૂર હોવાથી મિત્ર તરીકે હાથ ઉછીની રકમ પેટે રૂ.5 લાખ (પાંચ લાખ)લીધા હતા. તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની બેન્ક ઓફ બરોડા, અનાર શાખાનો રૂ.પાંચ લાખનો ચેક લખી આપેલ હતો. પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા બેંકે બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કર્યો હતો. તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ. તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદીના વકીલ અશોકભાઈ સામતાણીની દલીલોને ધ્યાનમાં લઈને ગોધરાના ચીફ જયુ. મેજીસ્ટ્રેટ જજ જીજ્ઞેશ ગીરીશભાઈ દામોદ્રાએ આરોપી રફીક એહમદ અમીનમિયા ખોખરને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીને બે વર્ષની જેલની સજા અને રૂ.5000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 6 મહિનાની સજા નો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.