ગોધરા બસ સ્ટેશન વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે પાલિકાની કાર્યવાહી

ગોધરા,ગોધરા શહેરમાં જાહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને જાહેરમાં ગંદકી ફેલાવનાર દુકાનદારો સામે નગર પાલિકાની ટીમ દ્વારા લાલ આંખ કરીને દંડકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા પ્લાસ્ટિક દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર ગોધરાના લાલબાગ વિસ્તારમાં રાઉન્ડમાં હતા. એ દરમિયાન અમુક દુકાનદારો જાહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગંદકી ફેલાવી રહ્યા છે. જેથી તેમને તાત્કાલિક ગોધરા ચીફ ઓફિસરને જાણ કરી જણાવ્યું હતું કે, જે લોકો જાહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગંદકી ફેલાવી રહ્યા છે. તેમના ઉપર યોગ્ય પગલા ભરીને કાયદાકીય કાર્યવાહી કરી દંડકિય પગલાં લેવામાં આવે.ગોધરા નગરપાલિકાની આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર સુરપાલસિંહ સોલંકી, મનોજ ચૌહાણ, સહલ મન્સૂરી સહિત આરોગ્યની ટીમ આજરોજ ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલાક વ્યાપારીઓ બિન્દાસ્ત પણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે. જેથી આ તમામ દુકાનદારો સામે નગરપાલિકા તંત્ર દ્વારા લાલા આંખ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી અંદાજિત પાંચ કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 1100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેથી અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.