ગોધરામાં ગાયો માટે કડક કાર્યવાહી કરવાનો કાયદો અને ગોૈચરના દબાણો દુર થવાની કાર્યવાહીને લઈને લોકોના મત યુવાનો મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં તમામ મંતવ્યો પીએમઓ અને સીએમઓમાં મોકલીને રજુઆત કરાશે. ગોધરા શહેરના મોટાભાગની જગ્યાઓ પર યુવાનો જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાનુ મુખ્ય મથક ગોધરા શહેર વર્ષો અગાઉ ગોૈ-ધરા તરીકે ઓળખાતુ હોવાનુ મનાય છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ગાયો ગોધરા તરફ ચરવા આવતી હોવાથી નામકરણ થયુ હોવાનુ લોકવાયકા છે. ત્યારે ગોધરા શહેરના યુવાનોમાં હાલ અનોખો ગોૈપ્રેમ જોવા મળ્યો છે. શહેરના કેટલાક યુવાનો એકઠા થઈને રસ્તે ફરતી ગાયોને ચોકકસ આશ્રય મળે તેમજ ચરવા માટે યોગ્ય જગ્યા મળે તેવુ નકકી કર્યુ છે. જેના માટે એક અભિયાનની શરૂઆત કરાઈ છે. આ અભિયાન અંતર્ગત યુવાનો શહેરીજનોના મંતવ્યો મેળવી રહ્યા છે.
જેમાં ગોૈચરની જમીનો પર થયેલા દબાણો દુર કરવા અને ગોૈવંશની કતલ માટેના કેવા કાયદા હોવા જોઈએ જેવી બાબતો પર મંતવ્યો મેળવી રહ્યા છે. જેના માટે ગોધરામાં આવેલા મુખ્ય ધાર્મિક સ્થાનો પર ડીજીટલી કયુઆર કોડ ચોંટાડીને લોકોના મત મેળવવામાં આવી રહ્યા છે. તો સાથે જ યુવાનો લોકોને રૂબરૂ મળીને તેઓને સમજાવી રહ્યા છે. સાથે જ ગોૈચરની જમીનોમાં દબાણો અને ગોૈવંશના કાયદા માટે લોકોના શુ મત છે તે જાણી રહ્યા છે. આ સમગ્ર અભિયાનની શરૂઆત રાધાષ્ટમીના દિવસથી થઈ હતી. તો હવે આગામી જન્માષ્ટમીના દિવસે પીએમઓ અને ગુજરાત સીએમઓમાં લોકોના પ્રતિભાવો મોકલીને રજુઆતો કરશે. સાથે જ દબાણો દુર થાય અને કડક કાયદા બને તે માટેની રજુઆતો કરશે.