ગોધરા,
પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ ભૂરાવાવ ચોકડીથી ભામૈયા બાયપાસ સુધીનો માર્ગ છ દિવસ સુધી ટ્રાફિક માટે પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગોધરા શહેરમાંથી પસાર થતા સૂચિત અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર માર્ગને ફોરલેન કરવાની કામગીરી અંતર્ગત નડતરરૂપ મોટા અને જોખમી વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાને લઈને ભામૈયા બાયપાસથી ગોધરા શહેરમાં પ્રવેશ કરતા તથા ભૂરાવાવ ચોકડીથી અમદાવાદ તરફ જતા રોડને તા. ૦૪,૦૫,૦૬ અને ૧૧,૧૨,૧૩ ડિસેમ્બર-૨૦ એમ કુલ ૦૬ દિવસના સમયગાળા માટે વાહનોની અવરજવર હેતુ બંધ કરવાનો હુકમ આ જાહેરનામા અંતર્ગત કરવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે ભામૈયા બાયપાસથી ઈન્દોર, અમદાવાદ હાઈવે થઈ છબનપુર પુલ નીચેથી ગોધરા શહેરમાં પ્રવેશ આપવા તેમજ ભૂરાવાવ ચોકડીથી લુણાવાડા રોડ, છબનપુર બાયપાસથી અમદાવાદ તરફ વાહનો ડાઈવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ડાકોર રોડ ચોકડી આગળ ખાડી ફળિયા તરફ જતો રોડ તેમજ સિન્ગલ ફળિયા થઈ રેલ્વે ગરનાળું પસાર કરી અમદાવાદ રોડ તરફ જતો રસ્તો તેમજ દરૂણિયા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
વિકાસના આડમાં વૃક્ષ છેદન કરાતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ ….
ગોધરાના પ્રવેશ માર્ગ ગણાતા ભામૈયા ગામ પાસે રોડની આસપાસ વિશાળકાય વૃક્ષો જોવા મળી રહ્યા હતા. વર્ષો જુના આ વૃક્ષોના કારણે ઉનાળામાં આવતાં જતાં રાહદારીઓ તથા વાહન ચાલકોને ગરમીથી બચવા રક્ષણ આપતા હતા. તેમજ પવનના કારણે પણ બે મીનિટ પોરો લેવાનો મન આવતા જતા રાહદારીઓને થતું હતું. અને વૃક્ષો એક આર્શીવાદરૂપ હોવાની સાથે નગરની શોભા પણ વધારતા હતા. પરંતુ રસ્તો પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ ગણીને આવા વૃક્ષોને કાપવાનું નકકી કરવામાં આવતાં ગોધરાવાસીઓમાં અનેક ગણગણાટ વ્યાપ્યો છે. રસ્તાનું નિર્માણ કાર્ય આવકાર્ય અને ખુશીની બાબત છે. પરંતુ વિકાસના આડમાં ઘટાદાર વૃક્ષોનું છેદન કરવામાં આવીને પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય હોવાની નારાજગીની લાગણી પર્યાવરણ પે્રેમીઓમાં થઈ રહી છે.