ગોધરા તાલુકાના ભામૈયા (પૂર્વ)ની 10 વર્ષ પહેલા ગુમ થયેલ ત્રણ સંતાનોની માતાને કોલકત્તાથી પોલીસની મદદથી પરત લવાઈ

ગોધરા,11 વર્ષથી માતા વિના સુના પડેલા ત્રણ સંતાનોના સંસારમાં માતાની મમતાની મહેક ફરી એકવાર ફેલાઇ છે. 11 વર્ષ અગાઉ ગુમ થયેલ મહિલાના સ્વજનોએ અને સંતાનોએ આ દુનિયામાં મહિલાનો અસ્તિત્વ જ નહીં હોવાનું માની લીધું હતું. ત્યારે માં ની મમતા સંતાનો માટે એક ભગવાન સ્વરૂપ સાબિત થઈ છે. આ મહિલા 11 વર્ષ બાદ જીવિત હોવાની અને કોલકાતાની એક મેન્ટલ હોસ્પિટલ માં સારવાર લઈ રહી હોવાની ભાળ સ્વજનોને મળતાજ નિરાધાર બનેલા ત્રણ સંતાનો અને સ્વજનોમાં ખુશી ની લહેર જોવા મળી હતી. ત્યારે દયનિય હાલતમાં જીવન વ્યતીત કરનાર સંતાનો સામે એક મોટો પડકાર હતો. કે માતાને કેવી રીતે કોલકાતા થી ઘરે પરત લાવી. જેના માટે ત્રણ સંતાનો અને સ્વજનોએ સરકાર પાસે મદદની માંગ કરી હતી. જેમાં પંચમહાલ પોલીસ આ નિરાધાર સંતાનોના વ્હારે આવી હતી અને ગોધરા તાલુકા ગોધરા પોલીસ મથકના બે પોલીસ કર્મી અને મહિલાના સ્વજનો કોલકાતા ખાતે પોહચ્યા હતા. ગોધરા તાલુકા પોલીસના સહિયારા પ્રયાસો થી મહિલાને ગોધરા લાવી નિરાધાર ત્રણ સંતાનો સાથે માતાનું મિલન કરાવતા રેલવે સ્ટેશન ઉપર લાગણી સભરના દ્રશ્યો એ સૌ કોઈ ની આંખો ભીની કરી નાખી હતી. તો બીજી તરફ ગીતાબેન પોતાના વતન આવતા ત્રણેય સંતાનોએ માતાની આરતી ઉતારી મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.

ગોધરા તાલુકાના કણજીયા ગામના ગીતાબેન ના લગ્ન સામાજીક રીતરિવાજ મુજબ ભામૈયા પૂર્વ ગામના વતની ભીમસિંહ પટેલ સાથે વર્ષો અગાઉ થયા હતા. તેઓના સુખી દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલ દરમ્યાન પરિવારને કુદરતે બે પુત્રો અને એક પુત્રીની સંતાનો સ્વરૂપે ભેટ આપી હતી. સુખી દાંપત્ય જીવન દરમિયાન વર્ષ 2006 – 07 માં ગીતાબેન અચાનક માનસિક અસ્થિર થઈ જતાં તેણીની તેના પતિ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ સારવાર દરમ્યાન ગીતાબેન ની બીમારી વધી રહી હતી. બીજી તરફ વર્ષ 2013 માં ગીતાબેન પોતાના પિયર કણજીયા ગામમાં તેના સગા સબધીનાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમયે ગીતાબેન માનસિક અસ્થિરતાને લઈ લગ્ન માંથી ઘરે પરત ફરી નહોતા અને ત્યાંતી ક્યાંક ચાલ્યા ગયા હતા. ગીતાબેન કોઈને કહ્યા વગર કઈક જતા રહેતા પરિવાર અને સ્વજનો ચિંતામાં મુકાયા હતા. અને ચિંતિત બનેલા પરિવારે સતત બે વર્ષ સુધી ગીતાબેન ની શોધખોળ આદરી હતી, પરંતુ ગીતાબેન નો કોઈ જ પત્તો મળી આવ્યો નહોતો જેથી સ્વજનોએ હારી થાકી ગીતાબેનની શોધખોળ છોડી દીધી હતી. ત્યારે ત્રણ સંતાનો માતા વગરના થયા હતાં. તો બીજી તરફ સંતાનોના પિતા પણ થોડા વર્ષોમાં જ મૃત્યુ પામ્યા હતા અને આ ત્રણેય સંતાનો માતા પિતા વિના નિરાધાર બન્યા હતા. અને ભામૈયા પૂર્વ ગામ માં આવેલ મકાન જર્જરિત અને છાપરૂં હોવાના કારણે ભામૈયા પૂર્વ ગામ છોડી ગોધરા તાલુકાના કનજીયા તેમના નાના-નાની ના ખાલી પડેલા ઘરે રહેવા જતા રહ્યા હતા અને જ્યાં કામ મળે ત્યાં મજૂરી કરી જીવન નિર્વાહ કરી રહ્યા હતા. આ ત્રણેય સંતાનોને દાદા દાદી કે મામા મામી પણ નહીં હોવાથી તેઓના અન્ય સ્નેહીજનો દ્વારા ભરણપોષણ માટે મદદ કરવામાં આવતી હતી. એવી જ રીતે સંતાનો હાલ ઉછરીને મોટા થઈ રહ્યા છે પરંતુ ઘરની પરિસ્થિતિ ખરાબ અને ગરીબ હોવાના કારણે તેઓએ અભ્યાસ છોડી દીધો. અને ક્યાંક રોજગાર મળે ત્યારે રોજગાર કરી પોતાનો નિર્વાહ કરી રહ્યા છે.

હાલ 11 વર્ષ આગાઉ ગુમ થયેલ ગીતાબેન કોલકાતાની એક મેન્ટલ હોસ્પિટલમાં હોવાની ભાળ મળતા સ્વજનો અને નિરાધાર બનેલા ત્રણ બાળકોમાં ખુશી અને આનંદસભર લાગણી વ્યાપી હતી. 11 વર્ષ અગાઉ ગુમ થયેલ માતાની ભાળ મળતાજ નિરાધાર બનેલા ત્રણેય સંતાનોના ચેહરા પર એક અલગ જ ચમક અને આનંદ જોવા મળ્યો હતો. ગીતાબેન કોલકાતામાં છે અને એ હાલ સારવાર લઈ રહી હોવાની ભાળ મળતા ગીતાબેન ની સારવાર કરતા કોલકાતાના તબીબ નો મોબાઈલ નંબર લઈ ગીતાબેનના સ્વજનો અને ત્રણેય સંતાનોએ માતા સાથે વિડિઓ કોલ પર વાત કરી હતી અને માતાને વહેલી તકે ઘરે પરત લાવા માટેની વાત કરી હતી. પરંતુ નબળી આર્થિક સ્થિતિમાં જીવન જીવી રહેલા નિરાધાર બાળકો માતાને કોલકાતા થી પાછી કેવી રીતે લાવવી તે અંગે મુંજવણ અનુભવતા હતા. અને માતાને પરત લાવવા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા હતાં. ત્યારે ગોધરા પોલીસે ત્રણેય સંતાનો ની વ્હારે આવી ગીતાબેનને કોલકાતા થી ગોધરા લાવી ત્રણેય સંતાનોના જીવનમાં મમતાની મહેક પ્રસરાવવાનું બીડું ઝડપ્યું હતું. ફરી એક વાર પોલીસે માનવતાવાદ બતાવી આ નિરાધાર સંતાનોની માતાને તેના વતન પરત લાવવા માટે મદદરૂપ થઇ હતી. ગોધરા તાલુકા પોલીસના આ માનવતાવાદી પ્રયત્નો થી બે પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક ગીતાબેનના પરિવારજનોને લઈ કોલકાતા જવા રવાના થયા હતાં અને કોલકાતા પહોંચી ગીતાબેનનું પરિવાર સાથે મિલન કરાયું હતું. ત્યાર બાદ ગીતાબેનને સાથે લઈ ગોધરા તરફ આવા માટે નીકળ્યા હતા અને આજે સવારે તેઓ વડોદરા રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જ્યાં ગીતાબેનના ત્રણ સંતાનો અને અન્ય પરિવારજનો સાથે ગીતાબેનનું મિલન કરાતા રેલવે સ્ટેશન ઉપર લાગણીસભરના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજ રોજ 11 વર્ષ અગાઉ ગુમ થયેલ ગીતાબેન વતન પરત આવતા ગીતાબેન ના સ્વજનો અને ગામના લોકોમાં ખુશી વ્યાપી હતી. સાથે જ ગોધરા પોલીસે કરેલ મદદ અને સ્વજનો સાથે કરેલ મિલનને લઈ નિરાધાર બનેલ સંતાનોએ પોલીસનો આભાર માન્યો હતો.

ગોધરા તાલુકાના ભામૈયા ગામની ગીતાબેન કનજીયા ગામ માંથી વર્ષ 2013 માં ગુમ થયા હતા અને છેક કોલકાતા સુધી પહોંચી ગયા હતા. ગીતાબેન ની સારવાર કરતા કોલકાતાના તબીબે જણાવ્યું હતું કે, ગીતાબેન કોલકાતામાં જાહેર માર્ગો પર ફરતા હતા અને ત્યારે તેઓની માનસિક સ્થિતિ સારી ન હતી. ત્યારે ગીતાબેનની માનસિક સ્થિતિ જોઈ કોલકાતા પોલીસે ગીતાબેનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તે અંદાજીત 10 વર્ષ ઉપરાંત જેટલા લાંબા સમય સુધી અર્ધ બેભાન હાલતમાં હતા અને તેઓ યાદશક્તિ ગુમાવી ચુક્યા હતા સાથે જ તેઓ બોલી પણ શકે તેવા હાલતમાં નહોતા. જેના કારણે કોલકાતાના તબીબ ગીતાબેન ની કોઈ પણ વિગત જાણી શક્યા ન હતા. ત્યારે કોલકાતાના તબીબીઓએ માનવતાને જીવંત રાખી ગીતાબેનની 10 વર્ષ ઉપરાંતના લાંબા સમય સુધી તમામ પ્રકારની સારી રીતે સારવાર કરી હતી. સારવાર દરમ્યાન હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા ગીતાબેન ની સારી સેવા અને સારવાર આપી હતી. ગીતાબેન ની જે સારવાર કરવામાં આવી હતી. જેમાં દવા ગોળી સાથે ત્યાંના તમામ તબીબ અને સ્ટાફ દ્વારા પ્રેમ અને સ્નેહ પણ આપવામાં આવ્યો હતો. 10 વર્ષના લાંબા સમય ની સારવાર બાદ ગીતાબેન હોશમાં આવ્યા હતા અને તેઓની માનસિક સ્થિતીમાં આવેલ સુધારો જોઈ હોસ્પિટલના તબીબો દ્વારા ગીતાબેન ની પૂછપરછ કરવામાં આવી હતી. કોલકાતાના હોસ્પિટલમાં મળેલ સારવાર અને ત્યાંના તબીબોના પ્રયાસોના પરિણામે ગીતાબેનને જૂની યાદો યાદ આવી હતી અને તેઓએ પોતે ગુજરાતના ગોધરાની તાલુકાના ભામૈયા પૂર્વ ગામની હોવાનું જણાવતા કોલકાતાના તબીબીએ ગોધરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગીતાબેનની જાણકારી આપી હતી. સમગ્ર ઘટનાની ગોધરા પોલીસને જાણ થતાંજ ગોધરા તાલુકા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે ભામૈયા પૂર્વ ગામના સરપંચનો સંપર્ક કરી ગીતાબેન અંગે જાણકારી આપી હતી અને તેના ત્રણેય સંતાનો સહિત સ્વજનોને પણ આ ખુશીના સમાચાર મળ્યા હતા. 11 વર્ષ બાદ કોલકાતાના તબીબ અને ગોધરા તાલુકા પોલીસના સહિયારા પ્રયાસો થી ગીતાબેનને કોલકાતા થી ગોધરા પરત લાવી નિરાધાર બનેલા ત્રણેય સંતાનો સાથે માતાનું મિલન કરાવતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર લાગણી સભર દ્રશ્યો એ સૌ કોઈ ની આંખો ભીની કરી નાખી હતી.