- ભાજપ અને કોંગ્રેસમાં ટીકિટ ન મળતાં વાંચ્છુકોમાં અસંતોષ.
- કોંગ્રેસ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામું આપ્યું.
- ભાજપના પૂર્વ ૦૪ સભ્યોએ રાજીનામા આપી અપક્ષ દાવેદારી નોંધાવી.
- સૌથી વધુ વોર્ડ નં.૧૦માં ૩૨ ફોર્મ ભરાયા.
- સૌથી ઓછા વોર્ડ નં.૦૭ અને ૦૮માં ૧૬ ફોર્મ ભરાયા.
ગોધરા,
શનિવારે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ગોધરા નગર પાલિકાની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા અપક્ષો એ ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. ૪૪ બેઠકો માટે ૨૬૨ ફોર્મ ભરાયા હતા. આ જોતાં અપક્ષોનો રાફડો ફાટયો હતો. જોકે, આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થનાર છે. જોકે, ભાજપ અને કોંગ્રેસમાં ટીકિટ ન મળતાં નારાજ બનેલા કાર્યકરો એ રાજીનામા ઘરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.
પંચમહાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની અને પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામો ને લઈને બંને પક્ષના કાર્યકરોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. નારાજગી એટલા હદે વ્યાપી છે કે ભાજપ તેમજ કોંગ્રેસના વર્ષોજૂના કાર્યકરો એ પોતાના હોદ્દા પરથી રાજીનામાં ધરી દઈ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો , સાત તાલુકા પંચાયતની ૧૭૮ બેઠકો તેમજ ગોધરા નગરપાલિકાની ૪૪ બેઠકો અને શહેરા નગરપાલિકા ની ૨૪ બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી યોજાવાની છે.ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે ગોધરા નગરપાલિકા માં ભાજપ દ્વારા ૨૪ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોના નામો સામે ગોધરા શહેર ભાજપના મહામંત્રી મુકેશભાઈ જયશ્વાલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં પસંદ કરાયેલા ઉમેદવારો માં પક્ષમાં વર્ષોથી જોડાયેલા અને સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને અન્ય ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હોવાના આક્ષેપો કરી ગોધરા શહેર ભાજપ મહામંત્રી ના પદેથી રાજીનામું આપી ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર બે માંથી અપક્ષ ઉમેદવાર તરીકે આજે પોતાનું ફોર્મ ભર્યું હતું.બીજી તરફ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપ દ્વારા નક્કી કરાયેલી રણનીતિ નું પાલન ન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભાજપ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું
ત્યારે પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના લિસ્ટ બાબતે કોંગ્રેસ કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રિયંકાબેન પરમાર અને ઉપ પ્રમુખ જયબેન પરમારે યાદીમાં નામ હોવા છતાં કોંગ્રેસ દ્વારા મેન્ડેડ ના આપતા ઉપરોક્ત હોદા પરથી રાજીનામાં ધરી દીધા હતા.ત્યારે અન્યો ને ટીકીટ ફાળવી દેવાતા કોંગ્રેસ મહિલા માં ભડકો થવા પામ્યો છે.જેને લઈ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખે આક્ષેપ કર્યા હતા કે શહેરા વિધાનસભા બેઠકના ૨૦૧૭ના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ દ્વારા તેઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી. જેને લઇને જીલ્લા પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસ પ્રદેશ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટ પ્રમાણે પંચમહાલ જિલ્લામાં ટિકિટોની ફાળવણી કરવામાં આવી નથી. આમ પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ટિકિટોની ફાળવણી અંગે કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અસંતોષ ચૂંટણીના પરિણામો પર કેટલો હાવી થાય છે તે ચૂંટણીના પરિણામો બાદ જાણી શકાશે.
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ધ્વારા છ વોર્ડમાં પોતાના ૨૪ ઉમેદવારોની યાદીમાં સગાવાદ અને પૈસાવાદ ચલાવ્યો હોવાનું ફલીત થતા પાયાનાં વર્ષોજુના અને બે દસકાજુના કાર્યકરોના પત્તા કપાતાં ભારે ઉહાપોહ સર્જાયો છે.ગોધરા સોનીવાડ વિસ્તારના રહીશ અને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા તથા પુર્વ પાલિકા ઉપપ્રમુખ એવા દિપક સોનીનું પણ પત્તુ કાપતા અને પાર્ટી ધ્વારા અન્ય વોર્ડમાં સગાવાદ ચલાવતા તેઓએ આજે રાજીનામું ધરી દઈ ભાજપ સાથે છેડો ફાડી ખુલ્લા વિરોધમાં પડયા હતા અને તેમની પુત્રવધુએ અપક્ષમાં ઉમેદવારીપત્ર ભરી દાવેદારી કરી હતી. બીજીબાજુ એક સમયે દિપક સોનીની જ પેનલમાં ચૂંટણી લડી ચુકેલા રાજુ દરજી એ પણ આજ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી ભાજપ સાથે બળવાખોરી કરી હતી. ભાજપ ધ્વારા છ વોર્ડમાં ખરેખર જે મેન્ડેટ ના દાવેદાર હતા તેવા અમુક કાર્યકતાઓ ને મેન્ડેટ નહીં આપતા આજે પ્રાંત અધિકારી સમક્ષ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્રો ભરી ભાજપના દરેક ઉમેદવાર ને ધોબીપછાડ આપવા તૈયારીઓ દર્શાવી હતી…
ભાજપમાં છેલ્લા પંદર વર્ષથી વધુ દિવસરાત જોયા વગર દોડાદોડ કરતા ગોધરા ભુરાવાવ વોર્ડ-૨ના રહીશ મુકેશ જયસ્વાલ કે જે હાલ ગોધરા શહેર ભાજપ મહામંત્રી છે.તેઓને મેન્ડેટ આપવાને બદલે અન્ય બે નવા ચહેરાને મેન્ડેટ આપતા તેઓની કદર નહીં કરાતા તેઓએ પણ રાજીનામું ધરી દઈ આજે અપક્ષમાં તેમની ઉમેદવારી નોંધાવતા આજે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમદિવસે ભાજપમાં ખળભળાટ મચવાની સાથે ડેમેજ કંટ્રોલ કરવો એ અધરો વિષય થઈ પડયો હતો.જોકે ભાજપમાંથી બળવો કરનારાઓ આગામી દિવસોમાં ઉમેદવારીપત્રો પરત નહીં ખેચેતો ભાજપ ને અલગ અલગ વોર્ડમાં જબરદસ્ત ધોબીપછાડ મળવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી એતો ઠીક પરંતુ લોકોના કહેવા મુજબ છ વોર્ડના ૨૪ ઉમેદવારોમાં થી કદાચ ૮ થી ૧૦ જેટલા ઉમેદવાર ધરભેગા થાય તેવી ચર્ચાઓ કેન્દ્ર સ્થાને રહી હતી જોકે ગોધરા નગરપાલિકા નું સ્પષ્ટ ચૂંટણી ચિત્ર ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ જ બહાર આવશે.