ગોધરા બામરોલી રોડ ખાતે SVVP તથા VIPOના સંયુકત ઉપક્રમે ફાગોત્સવની ઉજવણી કરાઈ

ગોધરા, વૈષ્ણવ સમાજ માટે હોળીનું પર્વ અનેરૂં મહત્વ ધરાવે છેે. હોળી પહેલાં જ તેઓ અલગ અલગ પ્રકારે ઉજવણી કરતાં હોય છે. ગોધરામાં પણ આંતરરાષ્ટ્રિય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશ અને SVVP તથા VIPO ગોધરાના સંયુક્ત ઉપક્રમે અને શ્રીદ્વારકેશલાલજી મહારાજ,શ્રીઆશ્રયકુમારજી મહોદય, શ્રીશરણમકુમારજી મહોદયની પાવન ઉપસ્થિતિમાં અને અધ્યક્ષતામાં ગોધરા શહેરના ગદુકપુર બામરોલી રોડ ગોધરા ખાતે હોળી રસિયા ફાગોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૈષ્ણવો કીર્તના તાલથી ઝુમી ઉઠ્યા હતાં અને વૃંદાવન જેવો માહોલ સર્જાયો હતો. માત્ર વૈષ્ણવજનો જ નહિ પણ અન્ય સમાજના લોકોએ પણ હાજર રહીને રસિયા હોળીનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી. લોકોએ પુષ્પવર્ષા કરીને પર્વનો આનંદ ઉઠાવ્યો હતો.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પહેલા જ હોળી રસિયાનું ગાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ગોધરામાં ગદુકપુર ચોકડી પાસે બામરોલી રોડ ક્રિષ્ણા પાર્ટી પ્લોટ માં મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા ગાનનો ધાર્મિક, પરંપરાગત કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે હોળી-ધૂળેટી સુધી સળંગ 40 દિવસ વિવિધ સ્થળોએ હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિમય ભજનો, ગીતો ગવાય છે અને હોળી પર્વને એક જીવંત પર્વ બનાવી દેવાય છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી-રસિયાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વ્રજભુમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગ છાંટીને રમ્યા હતા. તેમની યાદમાં સમગ્ર વ્રજભુમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે. ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે. એકબીજા પર પુષ્પવર્ષા કરીને ફૂલથી હોળી રમવામાં આવે છે. ત્યારે ગઇકાલે મોડી રાત્રે ગોધરાના ક્રિષ્ણા પાર્ટી ખાતે ષષ્ઠ પીઠાધિશ્વર પ.પૂ.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ હોળી રસિયા ફાગોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.