ગોધરા,
ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે આવેલા વ્યકિતની કારનો કાચ તોડીને અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.52 લાખની મત્તાની ચોરી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ગંગોત્રીનગર સોસાયટીમાં રહેતા અને વડોદરા ખાતેથી સ્થાયી થયેલા પાર્થ મુકેશભાઈ શાહે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર જેમાં તેઓ 8 તારીખે મિત્ર કલ્પના શાહના લગ્નપ્રસંગે કાર લઈને આવ્યા હતા. ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેઓ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી લગ્ન મંડપમાં ગયા હતા બાદમાં તેઓ પોતાની પુત્રીના ગરમ કપડા લેવા માટે કાર તરફ આવતા કારના દરવાજાનો કાચ તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ ગાડીના પાછળના ભાગે મુકેલા 8 થી 10 જોડી કપડા, મેકઅપનો સામાન, સોના-ચાંદીના દાગીના તેમજ બ્રાન્ડેડ ધડિયાળ મળીને કુલ રૂ.1.52 લાખની મત્તાનો સામાન ચોરી થઈ ગયો હોવાનુ સામે આવ્યુ હતુ. સમગ્ર બનાવ અંગે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસે તસ્કરોની ભાળ મેળવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.